- બ્રેક્ઝિટ બાદ બ્રિટનના પીએમ બોરિસ જોન્સનની પહેલી આંતરરાષ્ટ્રીય મુલાકાત ભારતની રહેશે
- યુરોપિયન સંઘમાંથી નોખા પડ્યા પછી હવે બ્રિટન પોતાની વિદેશ નીતિ નવેસરથી ઘડી રહ્યું છે
- નવી વિદેશ નીતિમાં ઇન્ડો પેસેફિક રિજનને વિશેષ મહત્વ અપાશે
નવી દિલ્હી: બ્રિટન યુરોપિયન યુનિયનમાંથી અલગ પડ્યા બાદ વડાપ્રધાન બોરિસ જોન્સનની પહેલી આંતરરાષ્ટ્રીય મુલાકાત ભારતની હશે. બ્રિટિશ પીએમ જોન્સન એપ્રિલના અંતમાં ભારત આવશે. યુરોપિયન સંઘમાંથી નોખા પડ્યા પછી હવે બ્રિટન પોતાની વિદેશ નીતિ નવેસરથી ઘડી રહ્યું છે.
નવી વિદેશ નીતિમાં ઇન્ડો પેસેફિક રિજનને વિશેષ મહત્વ અપાશે. યુરોપિયન સંઘમાંથી અલગ પડ્યા પછી હવે ગ્લોબલ બ્રિટન નામે 100 પાનાંનો રિવ્યૂ તૈયાર કરાયો છે. એ રિવ્યૂમાં બ્રિટનની વિશ્વના દેશો સાથે સંબંધોની કેવી તકો છે, તેને નવેસરથી તપાસ થઇ રહી છે.
ઇન્ડો-પેસિફિક રિજનની વાત કરીએ તો તેમાં ભારત, જાપાન અને ઓસ્ટ્રેલિયાનો સમાવેશ થાય છે. એ દેશો સાથેના બ્રિટનના સંબંધો વધારે મહત્વપૂર્ણ બનાવવા આ રિવ્યૂમાં ભાર મૂકવામાં આવ્યો છે. આ રિજનમાં અમેરિકા પણ છે, પરંતુ અમેરિકા સાથે તો બ્રિટનને બહુ પહેલાથી સારા સંબંધો છે.
રશિયા અને ચીનના ખતરાને ધ્યાનમાં રાખીને બ્રિટને પોતાના પરમાણુ શસ્ત્રોની સંખ્યા વધારવાની પણ વિચારણા હવે શરૂ કરી છે. બ્રિટનના નાગરિકોને લાગી રહ્યું છે કે જૂની શાંતિની વાતો કરનારી પરમાણુ નીતિ હવેના સમયમાં વ્યર્થ છે. કોરોના વખતે રશિયા-ચીનના હેકર્સોએ બ્રિટનની મહત્વપૂર્ણ માહિતી ચોરવાના પ્રયાસો કર્યા હતા. એ પછી બ્રિટિશ નાગરિકોને આ બન્ને દેશો પ્રત્યે રોષ વધ્યો છે.
26મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક પર્વના મુખ્ય મહેમાન જોન્સન જ હતા, પરંતુ ત્યારે બ્રિટનમાં કેસ વધતા તેમની મુલાકાત કેન્સલ થઈ હતી. આસિયાન દેશો સાથે પણ બ્રિટન પોતાનો વેપાર ગાઢ કરવા માંગે છે. આસિયાનમાં સભ્ય થવા પણ બ્રિટને અરજી કરી છે.
બીજી તરફ બ્રિટનનું કદાવર વિમાનવાહક યુદ્વ જહાજ ક્વીન એલિઝાબેથ કેરિયર તૈયાર થઇ રહ્યું છે. આ જહાજ ઇન્ડો-પેસિફિકમાં તૈનાત કરવાનો બ્રિટનનો ઇરાદો છે. ઇન્ડો-પેસિફિક વિસ્તારમાં વિશ્વના અગ્રણી દેશો, બે મોટા મહાસાગર તેમજ ખાસ તો ચીન જેવા દેશો આવી જાય છે.
(સંકેત)