Site icon Revoi.in

હવે હવામાં જ કોરોના વાયરસને પકડી લેવાશે, કેનેડિયન કંપનીએ બનાવી ડિવાઇઝ

Social Share

– કેનેડાની કંટ્રોલ એનર્જી કોર્પ કંપનીએ હવામાં જ કોરોના વાયરસને પકડી લેતા ડિવાઇઝનું કર્યું નિર્માણ
– આ ડિવાઇઝ હવામાં જ કોરોના વાયરસના હાજરની ટ્રેસ કરી શકે છે
– કંપની નવેમ્બર સુધીમાં આ ડિવાઇઝને બજારમાં કરશે લોન્ચ
– ડિવાઇઝની કિંમત અંદાજે 8.8 લાખ રૂપિયા હશે

કેનેડા: હાલમાં તો સમગ્ર વિશ્વના વૈજ્ઞાનિકો અને સંશોધનકર્તાઓ કોરોનાની વેક્સીન શોધવા માટે પ્રયાસરત છે અને અનેક વેક્સીનની વિશ્વના અલગ અલગ દેશોમાં ટ્રાયલ પણ ચાલી રહી છે. આ વચ્ચે કેનેડાથી એક આશાસ્પદ સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે. કેનેડિયન કંપનીએ એક એવા ડિવાઇઝનું નિર્માણ કર્યું છે જે હવામાં જ કોરોના વાયરસની હાજરીને ટ્રેસ કરી શકે છે. કેનેડિયન કંપનીએ દાવો કર્યો છે કે તેણે એક ગેમ ચેન્જિંગ ડિવાઇઝ બનાવ્યું છે જે હવામાં કોરોના વાયરસને શોધી શકે છે.

કંટ્રોલ એનર્જી કોર્પ (Kontrol Energy Corp)નામની કંપની ઇનડોર એર ક્વોલિટી અને મોનિટરિંગ ઇક્વિપમેન્ટ બનાવવાનું કામ પહેલાથી જ કરતી આવી છે, કોરોના વાયરસની મહામારી બાદ કંપનીએ કોરોના વાયરસની ઓળખ કરતી ડિવાઇઝ પર કામ કરવાનું શરૂ કર્યું હતું.

પ્રાપ્ત અહેવાલ અનુસાર, કંપનીએ કેનેડાના ઓન્ટેરિયોની બે લેબ્સમાં કોરોના વાયરસ ઉપર રિસર્ચ કર્યા બાદ બાયોક્લાઉડ નામથી એક ડિવાઇઝ તૈયાર કર્યું છે. આ ડિવાઇઝ હેન્ડ ડ્રાયર જેવું દેખાય છે પરંતુ તે હવા અંદર તરફ ખેંચે છે અને પછી તે હવાનું વિશ્લેષણ કરીને તપાસ અને આકલન કરે છે.

અહેવાલ અનુસાર, કંપનીએ દાવો કર્યો છે કે તેની ડિવાઇઝ શોધી શકે છે કે કોઇ ખાસ જગ્યા પર હવામાં વાયરસ છે કે નહીં. જો પરિણામ સકારાત્મક આવે તો ત્યાં હાજર લોકોની અલગથી તપાસ કરી શકાય છે. ક્લાસરૂપ અને ઑફિસમાં પણ આ ડિવાઇઝ ખૂબ જ ઉપયોગી સાબિત થઇ શકે છે.

નોંધનીય છે કે, કેનેડાની વેસ્ટર્ન યુનિવર્સિટીમાં માઇક્રોબાયોલોજીના પ્રોફેસર ડેવિડ હેનરિક્સે બાયોક્લાઉડ ડિવાઇસની ટેસ્ટિંગ કરી છે. કંપની નવેમ્બર સુધી આ ડિવાઇસને બજારમાં લોન્ચ કરશે. જેની કિંમત આશરે 8.8 લાખ રૂપિયા હશે. કંપનીને દુનિયાભરમાંથી ઓર્ડર મળવાનું શરૂ થઇ ગયુ છે. હાલ કંપની દર મહિને 20 હજાર યુનિટ તૈયાર કરી શકે છે.

(સંકેત)