- ભારતે આ વર્ષના પ્રારંભથી ઇરાનમાં ચાબહાર બંદરનું કામ ઝડપી કર્યું
- આગામી મે મહિનાથી વ્યૂહાત્મક રીતે બંદરનું સંચાલન શરૂ કરી દેવાશે
- હવે પાકિસ્તાનને બાયપાસ કરીને ભારતથી અફઘાનિસ્તાન જઇ શકાશે
નવી દિલ્હી: કોરોના મહામારી દરમિયાન થોડા સમયના વિરામ બાદ ભારતે આ વર્ષની શરૂઆતથી જ ઇરાનમાં ચાબહાર બંદરનું કામ ઝડપી કર્યું છે. આગામી મે મહિનાથી વ્યૂહાત્મક રીતે ખૂબજ મહત્વના એવા આ બંદરનું સંચાલન પણ શરૂ કરી દેવામાં આવશે.
અમેરિકી સંસદમાં રજૂ કરવામાં આવેલા એક રિપોર્ટમાં આ જાણકારી આપવામાં આવી હતી. વર્ષ 2015માં ભારતે ઇરાનમાં ચાબહાર બંદર અને રેલવે લાઇન ફેલાવવાના કામમાં મદદની સહમતિ આપી હતી. તેનાથી ભારતને પાકિસ્તાનમાંથી પસાર થયા વગર જ અફઘાનિસ્તાન સાથે વિના વિધ્ને વેપાર કરવાની મદદ મળશે.
ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2016માં ઈરાનની મુલાકાત લીધી હતી અને બંદર સંબંધિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસિત કરવા 50 કરોડ ડોલરનું રોકાણ કરવાની સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા. ટ્રંપ પ્રશાસને ઈરાન પરના પોતાના આકરા પ્રતિબંધોથી ભારતની ‘અફઘાનિસ્તાન પુનર્નિર્માણ’ યોજનાને છૂટ આપી રાખી હતી પરંતુ 2020ના અંતમાં ભારતે આ પરિયોજનાનું કામ રોકી દીધું હતું.
2021ની શરૂઆતમાં આ કામને ફરીથી વેગ આપવામાં આવ્યો હતો અને મે 2021 સુધીમાં તેનું સંચાલન શરૂ થઈ જશે તેવી શક્યતા છે. આ રિપોર્ટને નિષ્ણાંતોએ તૈયાર કર્યો છે અને તે યુએસ કોંગ્રેસનો સત્તાવાર રિપોર્ટ નથી.
(સંકેત)