- અમેરિકાએ હ્યૂસ્ટન સ્થિત ચીની દૂતાવાસને બંધ કરવા આપ્યો આદેશ
- ચીને કર્યો પલટવાર, અમેરિકાને ચેંગદૂમાં રહેલા દૂતાવાસને બંધ કરવા કહ્યું
- બંને દેશો વચ્ચે સંબંધો ફરીથી સામાન્ય થાય તે આવશ્યક
ચીનના હાલમાં ભારત અને અમેરિકા સાથેના સંબંધો વણસ્યા છે. ભારત અને અમેરિકા સાથેના ચીનના સંબંધોમાં તણાવ જોવા મળી રહ્યો છે ત્યારે હાલમાં જ અમેરિકાએ ચીનને હ્યૂસ્ટન સ્થિત દૂતાવાસને બંધ કરવાનો આદેશ આપ્યો હતો. અમેરિકાની આ કાર્યવાહી પર ચીન એ પલટવાર કરતા ચેંગદૂમાં અમેરિકાને દૂતાવાસને બંધ કરવા માટે જણાવ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ચીને એક નિવેદન બહાર પાડીને કહ્યું હતું કે ચીનના વિદેશ મંત્રાલયે ચેંગદૂમાં અમેરિકાના દૂતાવાસનું સંચાલન બંધ કરવા નિર્દેશ કર્યો છે. મંત્રાલયના કોન્સ્યુલેટ જનરલ દ્વારા કરવામાં આવી રહેલા કાર્ય અને કાર્યક્રમો પર રોક લગાવવાને લઇને કેટલાક ખાસ નિયમોની જાણકારી પણ આપી છે.
ચીને નિવેદનમાં એવું પણ ઉમેર્યું છે કે અમેરિકાએ આ પ્રકારના પગલાં લેવાનું બંધ કરીને બન્ને દેશો વચ્ચે સંબંધો ફરીથી ધનિષ્ઠ બને તે માટેના પ્રયાસ કરવા જોઇએ. બંને દેશો વચ્ચે સંબંધો ફરી સામાન્ય થાય તે આવશ્યક છે.
નોંધનીય છે કે, 21 જુલાઇના રોજ અમેરિકાએ ચીન સાથેના સંબંધોમાં તણાવ બાદ ચીન વિરુદ્વ એક તરફ પગલા લેતા અચાનક ચીનને હ્યૂસ્ટન સ્થિત દૂતાવાસ બંધ કરવાનું જણાવ્યું હતું. જો કે અમેરિકાનું આ પગલું આંતરરાષ્ટ્રીય કાયદા, આંતરરાષ્ટ્રીય સંબંધોના સામાન્ય નિયમો અને ચીન-અમેરિકાની વાણિજ્ય સમજૂતીનું ઉલ્લંઘન કરે છે.
(સંકેત)