Site icon Revoi.in

ચીનના બદલાતા તેવર, હવે ભારતમાં યોજાનાર બ્રિક્સ સંમેલનમાં લઇ શકે છે ભાગ

Social Share

બીજિંગ: ચીનના તેવર વિશે જાણવું ખૂબ જ અઘરું છે. ક્યારેક તે સોશિયલ મીડિયા પર ભારતને બદનામ કરવાનો પ્રોપેગેન્ડા બનાવીને ફેલાવી રહ્યું છે તો બીજી તરફ ચીને ભારત પ્રત્યે મિત્રતા દેખાડવાનું પણ શરૂ કર્યું છે. ચીનના આ બદલાયેલા તેવર નવાઇ પમાડે તેવા છે.

ભારતમાં બ્રિક્સ દેશોનું સંમેલન યોજાય તેવી વિચારણા ચાલી રહી છે ત્યારે ચીને હવે આ માટે સમર્થન જાહેર કર્યું છે. આગામી મહિનાઓમાં જો કોરોનાની સ્થિતિ નિયંત્રણમાં હશે તો ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ આ સંમેલનમાં ભાગ લેવા ભારત આવી શકે છે. આ દરમિયાન તેમની મુલાકાત પીએમ મોદી સાથે થાય તેવી શક્યતા છે.

ચીનના વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, ચીન બ્રિકસ સંગઠનને બહુ મહત્વ આપે છે અને તે બ્રિક્સના દેશો વચ્ચે સહયોગને વધારે મજબત બનાવવા માંગે છે. ભારતમાં આ વર્ષે બ્રિક્સનું સંમેલન યોજાયે તેનું ચીન સમર્થન કરે છે. ચીન અર્થતંત્ર, માનવતા અને રાજનીતિની પહેલને વધારે મજબૂત કરવા માંગે છે.

વિદેશ મંત્રાલય અનુસાર બ્રિકસ વિશ્વમાં ઉભરતું બજાર ધરાવતા અને વિકાસશીલ દેશો વચ્ચે સહયોગ કરવા માટેનું સંગઠન છે. બ્રિક્સ દેશો વચ્ચેની એકતા છેલ્લા કેટલાક વર્ષથી વધી રહી છે અને તેનો પ્રભાવ પણ વધી રહ્યો છે.

મહત્વનું છે કે, બ્રિક્સમાં જોડાયેલા દેશોમાં ભારત, ચીન, સાઉથ આફ્રિકા, રશિયા અને બ્રાઝિલનો સમાવેશ થાય છે. આ વર્ષે બ્રિક્સની અધ્યક્ષતા ભારત પાસે છે અને આ વર્ષનું સંમેલન પણ ભારતમાં યોજાશે.

(સંકેત)