– ગલવાન ઘાટીમાં થયેલા હિંસક ઘર્ષણ બાદ પહેલીવાર ચીને સ્વીકાર્યું
– ચીને પહેલીવાર સ્વીકાર્યું કે ગલવાન ઘાટીમાં હિંસક ઘર્ષણમાં તેના સૈનિકોનાં પણ મોત થયા હતા
– ત્યારબાદથી ભારત અને ચીન વચ્ચે સરહદી વિવાદ સતત વધી રહ્યો છે
પૂર્વ લદ્દાખમાં છેલ્લા અનેક મહિનાઓથી ભારત અને ચીન વચ્ચે સરહદ વિવાદ ચાલી રહ્યો છે અને 15 જૂનના રોજ ગલવાન ઘાટીમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે હિંસક ઘર્ષણ થયું હતું જેમાં ચીનના સૈનિકો પણ માર્યા ગયા હતા. આ ઘટના બાદ ચીને પહેલીવાર સ્વીકાર્યું છે કે ગલવાન ઘાટીમાં થયેલા હિંસક ઘર્ષણમાં તેના સૈનિકોનાં પણ મોત થયા હતા. આ પહેલા ચીન હંમેશાથી આ વાતને નકારતું રહ્યું છે. ચીનના અખબાર ગ્લોબલ ટાઇમ્સએ આ વાતની જાણકારી આપી છે કે ગલવાન ઘાટીમાં ચીનની સેનાને પણ ભારે નુકસાન પહોંચ્યું હતું અને અનેક જવાનોના મોત થયા હતા.
પ્રાપ્ત અહેવાલ અનુસાર, ગ્લોબલ ટાઇમ્સના સંપાદક હુ ઝિજીને રાજનાથ સિંહના એક નિવેદનને ટ્વીટ કરીને લખ્યું હતું કે જ્યાં સુધી મારી જાણકારી છે ગલવાન ઘાટીમાં ભારત અને ચીનની સેના વચ્ચે થયેલા ઘર્ષણમાં ચીની સૈનિકોના મોતનો આંકડો ભારતના 20 જવાનોથી ઓછો હતો. આટલું જ નહીં ભારતે કોઇપણ ચીની સૈનિકોને બંધક નહોતા બનાવ્યા પરંતુ ચીને ભારતના સૈનિકોને બંધક બનાવી લીધા હતા.
નોંધનીય છે કે, ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહે ગુરુવારે રાજ્યસભામાં ચીન સાથે ચાલી રહેલા સરહદ વિવાદ પર પોતાની વાત રજૂ કરી હતી. રાજનાથ સિંહે કહ્યું હતું કે ભારત તમામ નિયમો અને સમજૂતીનું ધ્યાન રાખીને સરહદની સુરક્ષા કરી રહ્યું છે પરંતુ ચીન તફરથી વારંવાર સમજૂતીનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે.
ગલવાન ઘાટીના હિંસક ઘર્ષણમાં ભારતના 20 સૈનિક શહીદ થયા હતા : રક્ષા મંત્રી રાજનાથ સિંહે રાજ્યસભામાં ચીન સાથે ચાલી રહેલા વિવાદ પર જવાબ આપતાં કહ્યું કે લદાખમાં સ્થિતિ ગંભીર છે પરંતુ ભારતીય સેના દરેક પરિસ્થિતિ માટે તૈયાર છે. બીજી તરફ, ગલવાન ઘાટીના ઘર્ષણ પર તેઓએ કહ્યું કે ચીનના કૃત્યના કારણે ભારતના 20 જવાન શહીદ થયા હતા, પરંતુ તે જવાનોએ ચીનને જડબાતોડ જવાબ આપ્યો.
(સંકેત)