- ચીન પોતાના શસ્ત્ર સરંજામ સતત વધારી રહ્યું છે
- હવે પરમાણુ મિસાઇલ્સ સ્ટોર કરવા માટે સાઇટ્સનું નિર્માણ કરી રહ્યું છે ચીન
- ચીન અત્યારે 100 જેટલી સાઇટ્સનું નિર્માણ કરી રહ્યું છે
નવી દિલ્હી: ચીન પોતાની હરકતોને કારણે અનેક દેશો સાથે પહેલા જ દુશ્મનાવટ ઉભી કરી ચૂક્યું છે અને અનેક દેશો સાથે પંગા લેવા માટે કુખ્યાત છે. ચીન ખાસ કરીને તેના વિસ્તારવાદી વલણને કારણે પણ અનેક દેશોની આંખોમાં ખટકી રહ્યું છે. આ વચ્ચે હવે પોતાની સૈન્ય શક્તિ વધારી રહ્યું છે.
ચીન હવે ધીરે ધીરે શસ્ત્રો સરંજામ સતત વધારી રહ્યું છે. હવે અહેવાલો પ્રાપ્ત થઇ રહ્યા છે કે, ચીને પોતાના ઉત્તર પશ્વિમ વિસ્તારમાં આવેલા રણમાં પરમાણુ બોમ્બ લઇ જવા માટે સક્ષમ ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલાસ્ટિક મિસાઇલો રાખવા માટે 100 જેટલી સ્ટોરેજ સાઇટ તૈયાર કરવા માંડી છે.
આ સ્ટોરેજ સાઈટ્સને સાઈલો તરીકે ઓળખવામાં આવે છે. જેમાં આ પ્રકારની મિસાઈલોને સ્ટોર કરીને રાખવામાં આવી છે. ખાસ કરીને ઈન્ટરકોન્ટિનેન્ટલ બેલાસ્ટિક મિસાઈલ્સની રેન્જ ઘણી વધારે હોય છે. આ મિસાઈલ્સ એક ખંડમાંથી લોન્ચ કરાયા બાદ બીજા ખંડમાં આવેલા કોઈ પણ દેશને ટાર્ગેટ કરવા માટે સક્ષમ હોય છે. બીજા શબ્દોમાં કહીએ તો આ મિસાઈલની રેન્જમાં દુનિયાના સંખ્યાબંધ દેશ આવી જતા હોય છે.
ચીન પાસે એવી મિસાઇલ્સ છે જે અમેરિકા પર હુમલો કરવા માટે સક્ષમ છે. આ મિસાઇલ્સનું નામ ડીએફ-5 અને ડીએફ-41 જેવી મિસાઇલ્સ છે. ખાસ કરીને અમેરિકાને ધ્યાનમાં રાખીને જ ચીને આ મિસાઇલ્સ બનાવી હોવાનું કહેવાય છે.
અમેરિકાના મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કેલિફોર્નિયાના જેમ્સ માર્ટિન સેન્ટરના સંશોધકોએ સેટેલાઇટ તસવીરોની મદદથી તારણ કાઢ્યું છે કે, ચીન દ્વારા સેંકડો કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલા રણમાં મિસાઇલ્સ રાખવા માટે 100 જેટલી સ્ટોરેજ સાઇટ્સનું નિર્માણ થઇ રહ્યું છે. જેનો એક અર્થ એ પણ થાય છે કે ચીન પોતાની પરમાણુ હથિયારો લઇ જવા માટે સક્ષમ મિસાઇલ્સનું સંખ્યા વધારી રહ્યું છે.