- ચીનના મિસાઇલ પરીક્ષણથી અમેરિકા પણ ચિંતિત
- ચીનનું આ પરીક્ષણ એક ચિંતાનો વિષય: જો બાઇડેન
- સમગ્ર વિશ્વ માટે પણ આ એક ચિંતાનો વિષય છે
નવી દિલ્હી: ચાલબાઝ ચીન છેલ્લા કેટલાક સમયથી અવકાશમાં પણ પોતાની ધાક જમાવવા માટે હાઇપરસોનિક મિસાઇલોનું પરીક્ષણ કરી રહ્યું છે. ચીનની આ હરકતોથી અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન પણ ચિંતિત છે.
આપને જણાવી દઇએ કે ટૂંક સમય પહેલા જ ચીને એક હાઇપર સોનિક મિસાઇલનું પરીક્ષણ કર્યુ છે. જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેનને આ અંગે પૂછવામાં આવ્યું તો તેઓએ કહ્યું કે, જે રીતે ચીન આ પ્રકારની મિસાઇલોનું પરીક્ષણ કરી રહ્યું છે તે એક ચિંતાનો વિષય છે.
હાઇપર સોનિક મિસાઇલની ખાસિયત એ છે કે તે સામાન્ય મિસાઇલ કરતાં પાંચ ગણી વધારે ઝડપથી પ્રહાર કરવા સક્ષમ છે. તે ઉપરાંત તે અવાજની ગતિથી પણ પાંચ ગણી વધારે ગતિ પકડે છે. ચીને ગત ઑગસ્ટ મહિનામાં પરમાણુ મિસાઇલનું પરીક્ષણ કર્યું હતું.
ચીને જો કે આ બાબતે પોતાનો બચાવ કરતા હાઇપરસોનિક મિસાઇલને બદલે હાઇપર સોનિક યાનનું પરીક્ષણ કર્યું હોવાનું કહ્યું હતું.
જો કે કેટલાક અહેવાલો એવો દાવો કરી રહ્યા છે કે ચીને એક પરમાણું સક્ષમ મિસાઇલનું પરીક્ષણ કર્યું હતું. જે તેના લક્ષ્ય સાથે અંતરીક્ષમાં ગયું અને તેણે પૃથ્વીનું ચક્કર લગાવ્યું હતું. આ મિસાઇલ પરીક્ષણથી અનેક દેશો ચિંતાતુર છે.