- ભારત સામે લડવાની તૈયારી દર્શાવનારા ચીનના સૈનિકો શું ખરેખર તૈયાર છે
- મોટા ભાગના ચીનના સૈનિકોમાં જોવા મળી રહી છે માનસિક સમસ્યાઓ
- આ સૈનિકો થાક, ગભરામણ, ડિપ્રેશન જેવી સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યા છે
બીજિંગ: ભારત સામે સીમા પર તેમજ સમુદ્રમાં અમેરિકા સામે લડવાની તૈયારી દર્શાવનારા ચીનના સૈનિકો શું ખરેખર જંગ માટે દરેક રીતે તૈયાર છે ખરા?
ચીનના સૈનિકોના સ્વાસ્થ્યને લઇને એક અખબારે જવાબ આપ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, સતત તણાવની અસર ચીનના સૈનિકો પર વિપરીત રીતે પડી રહી છે. શાંઘાઇની યુનિવર્સિટીએ 580 સૈનિકો પર એક અભ્યાસ કર્યો હતો અને તેમાં માલૂમ પડ્યું હતું કે, દર પાંચમાંથી 1 સૈનિક કોઇને કોઇ માનસિક સમસ્યા સામે ઝઝૂમી રહ્યો છે. ખાસ કરીને સાઉથ ચાઇના સીમાં તૈનાત સૈનિકોમાં માનસિક સમસ્યા વધારો જોવા મળી છે. આ સૈનિકો થાક, ગભરામણ, ડિપ્રેશન જેવી સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યા છે.
અગાઉ ચીનના સૈનિકોની શારીરિક સ્થિતિ અંગેનો એક રિપોર્ટ પણ લીક થયો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે, ચીની સેનામાં ભરતી થવા આવી રહેલા યુવાનો સંખ્યાબંધ શારીરિક સમસ્યાઓનો શિકાર છે. મેદસ્વીપણાના કારણે મોટાભાગના યુવાઓ ભરતી માટેના ધારાધોરણો પર ખરા ઉતરી શકતા નથી. વર્ષ 2017માં ભરતી પરીક્ષા દરમિયાન લેવાયેલા ફિઝિકલ ટેસ્ટમાં ભરતી માટે આવેલા યુવાઓ પૈકીના 60 ટકા યુવાઓ ફેલ થઇ ગયા હતા.
બીજી તરફ ચીન માટે મેદસ્વીપણુ પણ સમસ્યા બની રહ્યું છે. કારણ કે અમેરિકા પછી સૌથી વધારે સ્થૂળ લોકો ચીનમાં છે.
એવું પણ માનવામાં આવી રહ્યું છે કે, ચીન અડધો ડઝન કરતાં વધારે દેશો સાથે તણાવ સર્જી ચૂક્યું છે અને તેના કારણે સેનાના જવાનો સતત મોરચો માંડીને બેઠા હોવાથી માનસિક રીતે તણાવ અનુભવી રહ્યા છે.
(સંકેત)