Site icon Revoi.in

Mumbai Blackout: ચીનના કાવતરા બાદ અમેરિકી સાંસદે બાઇડેનને કહ્યું – ભારતને સાથ આપો

Social Share

નવી દિલ્હી: મુંબઇમાં બ્લેક આઉટનું કાવતરું ઘડનાર ચીન હવે ચારેય તરફથી ઘેરાઇ રહ્યું છે. હવે મહાસત્તા અમેરિકા પણ ચીનની હરકતો પર સતત નજર રાખી રહ્યું છે. અમેરિકાના સાંસદે જો બાઇડેન તંત્ર સાથે ચીનની હરકતો સામે અવાજ ઉઠાવવા અને ભારત સાથે ઉભા રહેવાની માંગ કરી છે. અમેરિકા પહેલા પણ ચીનની દાદાગીરી સામે અવાજ ઉઠાવતું રહ્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર વરિષ્ઠ અમેરિકાના સાંસદ ફ્રેંક પેલોને જો બાઇડેન તંત્રને કહ્યું છે કે, ભારતની પાવર ગ્રિડ પર ચીનના સાયબર હુમલાના વિરોધમાં અમેરિકાને ભારત સાથે ઉભા રહેવું જોઇએ. કોંગ્રેસી ફ્રેંક પેલોને એક ટ્વીટમાં લખ્યું છે કે, અમેરિકાને આ આપણા વ્યૂહાત્મક મિત્રની સાથે ઉભા રહેવું જોઇએ અને ભારતમાં પાવર ગ્રિડ પર ચીનના ખતરનાક સાયબર હુમલાની નિંદા કરવી જોઇએ.

રેકોર્ડેડ ફ્યૂચરના રિપોર્ટને ટાંકીને ફ્રેંક પેલોનએ કહ્યું, બંને દેશોની વચ્ચે LAC પર ચાલી રહેલા તણાવ વચ્ચે આપણે ચીનને બળ અને ધાકધમકીના માધ્યમથી હાવી થવાની છૂટ આપવી જોઇએ નહીં. અમેરિકાના વિદેશ વિભાગ તરફથી કહેવામાં આવ્યું છે, ચીનનું (China) ભારત સામે ષડયંત્ર સાથે સંકડાયેલા રિપોર્ટ્સ વિશે સંપૂર્ણ જાણકારી છે. અમેરિકા સાયબર સ્પેસમાં ખતરાનો જવાબ આપવા માટે દુનિયાના તમામ દેશો સાથે મળીને કામ કરવા માટે પ્રતિબદ્ધ છે.

(સંકેત)