Site icon Revoi.in

ચીનની અફઘાનિસ્તાનમાં રહેલા પોતાના નાગરિકોને સલાહ, ઇસ્લામિક પ્રથાઓનું પાલન કરો

Social Share

નવી દિલ્હી: વિશ્વના બીજા દેશો એકબાજુ પોતાના અફઘાનિસ્તાનમાં ફસાયેલા નાગરિકો વિશે ચિંતિત છે અને તેના નાગરિકોને ત્યાંથી પાછા બોલાવી રહ્યાં છે ત્યારે ખંધુ ચીન તાલિબાન સાથે દોસ્તી મજબૂત કરવામાં વ્યસ્ત છે.

વિસ્તારવાદની નીતિમાં માનતા ચીને અફઘાનિસ્તાનમાં પોતાના નાગરિકો માટે એક એડવાઇઝરી જાહેર કરી છે અને ચીની નાગરિકોને ઇસ્લામિક રીતિ રિવાજોનું પાલન કરવા માટે સલાહ આપી છે.

અફઘાનિસ્તાનમાં સ્થિતિ ચીની કોન્સ્યુલેટે કહ્યું છે કે, અફઘાનિસ્તાનમાં સ્થાનિક સંસ્કૃતિ પ્રમાણે કપડાં પહેરવાની અને જાહેર સ્થળોએ એ જ પ્રકારે જમવાનું રહેશે. ચીને પોતાના નાગરિકોને ભારથી અહીંની પ્રથાઓનું પાલન કરવા માટે કહ્યું છે.

ચીને બીજી તરફ પોતાના નાગરિકોને કાબુલ તેમજ બીજા અશાંત વિસ્તારોથી દૂર રહેવા માટે પણ ચેતવણી આપી છે. બીજી તરફ અમેરિકન કોન્સ્યુલેટે પણ કાબુલ એરપોર્ટ બહાર ખતરો હોવાનું જાહેર કરીને અમેરિકન નાગરિકોને એરપોર્ટ તરફ ના જવા માટે ચેતવણી આપી છે.

જ્યાં સુધી ચીનની વાત છે ત્યાં સુધી ચીને તાલિબાનને માન્યતા આપવાની સાથોસાથ અફઘાનિસ્તાનમાં પોતાનું વર્ચસ્વ વધારવા માટેનો ઇશારો કરી દીધો છે અને તેમાં તેને આતંકીઓને શરણ આપતું પાકિસ્તાન પણ મદદ કરી રહ્યું છે.