- ચીનના સાઇબર જાસૂસોની હરકત
- 103 દેશના કમ્પ્યુટરમાં કરી ઘૂષણખોરી
- જો કે ચીને આ આરોપો ફગાવ્યા
નવી દિલ્હી: ચીન તેની હરકતોથી બાજ નથી આવી રહ્યું. હવે ચીનના સાઇબર જાસૂસો અને હેકર્સે 103 દેશના સરકારી અને ખાનગી કમ્પ્યુટર હેક કર્યા છે અને આ આક્રમણમાં ચીનની સરકાર પોતે જ સંડોવાયેલી હોવાની આશંકા પણ ગુપ્તચર નિષ્ણાતોએ વ્યક્ત કરી છે. જો કે ચીને આ હેકિંગના આરોપોને ફગાવી દીધા છે.
ભારત સહિત 103 દેશોના સરકારી અને ખાનગી કમ્પ્યુટરોને ચીનના સાઇબર જાસૂસી નેટવર્કે નિશાન બનાવ્યા છે. આમાં વોશિંગ્ટનના ભારતીય દૂતાવાસથી માંડીને તિબેટના બૌદ્વ આધ્યાત્મિક ગુરુ દલાઇ લામાના કમ્પ્યુટર સુધીના કમ્પ્યુટરમાં ઘૂષણખોરી કરવામાં આવી છે અને કમ્પ્યુટર હેક કરી લેવાયા છે. હેકિંગ નેટવર્કનું સંચાલન ચીનમાંથી થઇ રહ્યું હોવાનું કેનેડાના સંશોધનકર્તાઓએ પકડી પાડ્યું છે.
થોડા સમય પહેલાં મીડિયા એજન્સીના પ્રસિધ્ધ થયલા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, અમેરિકાના અનેક સરકારી કાર્યાલયોના કોમ્પ્યુટર નેટવર્કમાં ચીની જાસૂસીઓએ ઘુસણખોરી કરી લીધી છે. આ ઉપરાંત નાટોના એક કમ્પ્યુટર ઉપર અડધો દિવસ સુધી હેકર્સે નજર રાખી હતી. આ
ઉપરાંત ભારતીય દૂતાવાસના કમ્પ્યુટરમાં પણ ખાંખા-ખોળા કરવામાં આવેલા. આવી જ રીતે યુનિવર્સિટી ઓફ ટોરોન્ટોમાં મોંડ સેન્ટર ફોર ઈન્ટરનેશનલ સ્ટડીઝના શોધકર્તાઓને દલાઈ લામાના કોમ્પ્યુટરની ચકાસણીનું કામ સોંપાયું ત્યારે તેમાં પણ હેકર્સે હાથ ચાલાકી બતાવી હોવાનું જોવા મળ્યું હતું.
ચીનમાંથી જ થયેલી આ ઘુસણખોરી સામે અમેરિકા, રશિયા સહિતના દેશોએ અત્યાધુનિક યંત્ર સામગ્રીઓ પણ કામે લગાડી છે. અત્યાર સુધી એક સાથે આટલા બધા દેશોના કોમ્પ્યુટર નિશાન બન્યા હોવાનું કારસ્તાન પ્રથમ વખત જ કોઈ સંશોધક શોધી શક્યા છે.
ચીની હેકર્સો કે બીજા દેશના બંડખોરોએ ભારતના સંરક્ષણ ખાતાથી લઈને ભાભા અણુમથક, મિસાઈલ સેન્ટર, સોફ્ટવેર કંપનીઓના કમ્પ્યુટરમાં સેંધ મારી છે. આપણા સ્થાનિક હેકર્સો પણ આવા કારસ્તાન કરે છે.
ભારતમાં સાયબર ક્રાઇમને અટકાવવો આસાન નથી કેમ કે, ઇન્ફોર્મેશન ટેકનોલોજી સાથે સંકળાયેલા કાયદા નબળા છે. નવા સુધારા સાથેના કાયદા તૈયાર કરાયા છે પરંતુ તેનું અમલીકરણ કરાતું નથી.