Site icon Revoi.in

પાકિસ્તાનમાં પણ વિદ્રોહનો માહોલ, અનેક સ્થળે હિંસક ઘર્ષણ

Social Share

નવી દિલ્હી: પાકિસ્તાનમાં અત્યારે અફઘાનિસ્તાન જેવો વિદ્રોહનો માહોલ જોવા મળી રહ્યો છે. અહીંયાના પંજાબ પ્રાંતમાં તહરીક-એ-લબૈક પાકિસ્તાન (TLP) અને પોલીસની વચ્ચે હિંસક અથડામણ થઇ છે. ટીએલપી અને ઇમરાન સરકાર વચ્ચેની મંત્રણા નિષ્ફળ ગયા બાદ આ હિંસક અથડામણ જોવા મળી છે.

હકીકતમાં, ટીએલપી પોતાની પાર્ટીના પ્રમુખ સાદ રિજવીની મુક્તિ અને ફ્રાન્સના રાજદૂતને કાઢી મૂકવાની માંગ પર મક્કમ છે. જો કે તેને લઇને ઇમરાન ખાન સરકાર સાથે થયેલી વાતચીત નિષ્ફળ ગઇ છે.

ટીએલપીએ ઇસ્લામાબાદ તરફ કૂચ શરૂ કરી છે. પોલીસે તેને રોકવાની કોશિશ કરતા બંને વચ્ચે હિંસક ઘર્ષણ જોવા મળ્યું હતું. એવું માનવામાં આવી રહ્યું છે ત્યારે 15 હજાર ટીએલપી સમર્થકો હજુ પણ હલ્લાબોલ કરી રહ્યાં છે. તેઓ પાસે આધુનિક હથિયારો પણ છે.

ટીએલપી દિવસે દિવસે વધુ ઉગ્ર બની રહી છે. ટીએલપીએ હવે પોલીસ પર ગોળીબાર કર્યો છે જેમાં 3 પોલીસકર્મીઓના મોત નિપજ્યા છે. જ્યારે 70 ઘાયલ છે. જેમાં 8ની સ્થિતિ ખૂબ જ ગંભીર છે.

નોંધનીય છે કે ઇમરાન સરકાર અને ટીએલપી વચ્ચે થયેલા વાટાઘાટોનું કોઇ જ પરિણામ મળ્યું ન હતું. જે બાદ રવિવારે ટીએલપીએ સરકારને માંગો પૂરી કરવા માટે બે દિવસનો સમય આપ્યો હતો. જો કે આવું ન થતા હવે તેઓ રસ્તા પર આવીને હલ્લાબોલ કરી રહ્યા છે. અનેક વિસ્તારોમાં પોલીસની પણ તૈનાતી કરવામાં આવી છે.