Site icon Revoi.in

જળવાયુ પરિવર્તનથી 44 હજાર વર્ષ પહેલાની વિશ્વની સૌથી જૂની રોક પેઇન્ટિંગનો નાશ થશે

Social Share

નવી દિલ્હી: જળવાયુ પરિવર્તનથી પર્યાવરણને તો વ્યાપક રીતે અસર થવા પામી જ છે, પરંતુ સાથોસાથ વિશ્વના સૌથી જૂના માનવીય વારસાને પણ ખૂબ જ ગંભીર અસર પહોંચી છે. નેચરના વૈજ્ઞાનિક રિપોર્ટ પ્રમાણે, ઇન્ડોનેશિયાના સુલાવેસીમાં ચૂનાના પથ્થરની ગુફાઓમાં પ્રાચીન પથ્થર કળા પર જળવાયુ પરિવર્તનની વ્યાપકપણે અસર જોવા મળી રહી છે. એક અંદાજ અનુસાર આ રોક પેઇન્ટિંગ 45,000થી 20,000 વર્ષ પહેલાના Pleistocene યુગની છે.

પ્રાપ્ત અહેવાલ અનુસાર ઇન્ડોનેશિયાના નિષ્ણાંતો અને પુરાતત્વ સંબંધિત વૈજ્ઞાનિકોએ સુલાવેસીની મારોસ-પૈંગકેપમાં આવેલ 11 રોક શેલ્ટર અને ગુફાઓની તપાસ કરી હતી. ગુફાઓની દિવાલ પર જે પણ પ્રતિક અને જાનવરોનું ચિત્રણ કરતી હેન્ડ સ્ટેન્સિલ કળા 40,000 વર્ષ પહેલાની માનવામાં આવે છે. હવે આ પેઇન્ટિંગ્સ દીવાલો પરથી ધીમે ધીમે દૂર થઇ રહી છે.

રિસર્ચરોએ ગુફાઓની દીવાલો પર રિસર્ચ કરતા તેના પર કેલ્શિયમ સલ્ફેટ અને સોડિયમ ક્લોરાઈડ હોવાનું જાણવા મળ્યું છે. કેલ્શિયમ સલ્ફેટ અને સોડિયમ ક્લોરાઈડ સપાટી પર ક્રિસ્ટલ બનાવે છે, જેનાથી પત્થર પરનું લેયર ધીમે ધીમે દૂર થાય છે.

વારંવાર તાપમાનમાં પરિવર્તન આવવાને કારણે કલાકૃતિ પર ગંભીર અસર થઈ રહી હોવાનું માનવામાં આવે છે. તાપમાનમાં પરિવર્તન આવવાને કારણે દીવાલોની સપાટી ક્યારેક સૂકાવાથી તો ક્યારેક ભીની થઈ જવાથી ક્રિસ્ટલ બને છે. આ પ્રકારે ક્રિસ્ટલ બનાવાને કારણે પિગમેન્ટથી બનેલ કલાકૃતિ બગડી જાય છે.

અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે, તાજેતરમાં દેશે અનેક પ્રાકૃતિક આપદાઓનો સામનો કર્યો છે. જેના કારણે સ્થિતિ વધુ વણસી છે. તારણો પરથી કહી શકાય કે છેલ્લા 40 વર્ષમાં માનવીય જળવાયુ પરિવર્તનના કારણે ધોવાણમાં વધારો થઇ રહ્યો છે.