- બ્રિટન બાદ હવે જર્મનીમાં પણ 31 જાન્યુઆરી સુધી લોકડાઉન
- સમગ્ર જર્મનીમાં પ્રથમ વખત બિનજરૂરી યાત્રા માટે નવા નિયમો લાગુ
- નવા નિયમો અનુસાર ઘરમાંથી કોઇપણ એક જ વ્યક્તિ મંજૂરીથી બહાર નીકળી શકશે
બર્લિન: બ્રિટનમાં કોરોનાના નવા પ્રકારના ફેલાવા બાદ લોકડાઉન કરવામાં આવ્યા બાદ હવે જર્મનીમાં પણ સંક્રમણ ફેલાતું અટકાવવા માટે 31 જાન્યુઆરી સુધી લોકડાઉન કરવામાં આવ્યું છે. આ અંગે ચાંસેલર એન્જેલા મર્કલે દેશના તમામ રાજ્યોના ગવર્નરો સાથે બેઠક કરી હતી, જે બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. તેમણે પ્રેસ કોન્ફરન્સ કરીને દેશમાં 31 જાન્યુઆરી સુધી લોકડાઉન લાદવાની જાહેરાત કરી હતી.
મર્કલે કહ્યું કે, કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. અમે 31 જાન્યુઆરી સુધી દેશમાં લોકડાઉન લગાવી રહ્યા છીએ. અમે લોકોના હિતમાં આ પગલું ભર્યું છે. સમગ્ર જર્મનીમાં પ્રથમ વખત બિનજરૂરી યાત્રા માટે નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે. નવા નિયમો અનુસાર ઘરમાંથી કોઇપણ એક જ વ્યક્તિ મંજૂરીથી બહાર નીકળી શકશે. તે સિવાય કોઇ બહાર નહીં જઇ શકે.
ગાઇડલાઇન અનુસાર, જાન્યુઆરીના અંત સુધી દુકાનો તેમજ રેસ્ટોરન્ટ બંધ રહેશે. મહિનાના અંત સુધી ઑનલાઇન યોજાતા વર્ગોની સાથે સ્કૂલ પણ બંધ રહેશે. આ અંગે જાણકારી આપતાં ચાંસેલરે કહ્યું હતું કે, 25 જાન્યુઆરીએ સમીક્ષા કર્યા બાદ આગળનો નિર્ણય લેવાશે.
(સંકેત)