- ભારતની કોવેક્સિનને હવે અમેરિકા પણ માની ગયું
- કોવેક્સિન આલ્ફા-ડેલ્ટા વેરિએન્ટને પણ કરે છે નિષ્ક્રિય: અમેરિકા
- વેક્સિન સારા પ્રમાણમાં એન્ટિબોડી બનાવી રહી છે તેવું અભ્યાસમાં જણાવાયું છે
નવી દિલ્હી: ભારતમાં એક તરફ જ્યારે ત્રીજી લહેરની આશંકા વર્તાઇ રહી છે ત્યારે બીજી તરફ અમેરિકાએ ભારતની સ્વદેશી કોવેક્સિનને કોરોના સામેનું અસરકારક હથિયાર માન્યું છે. અહેવાલો અનુસાર અમેરિકાની રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સંસ્થા (NIH) કહ્યું કે, ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદની મદદથી ભારત બાયોટેકે બનાવેલી રસી આલ્ફા અને ડેલ્ટા બંને પર અસરકારક છે.
વેક્સિન સારા પ્રમાણમાં એન્ટિબોડી બનાવી રહી છે તેવું અભ્યાસમાં જણાવાયું છે. લગભગ 25 મિલિયન લોકોને આ વેક્સિન અત્યારસુધી આપવામાં આવી છે. NIH અનુસાર તેના ભંડોળ સાથે વિકસિત પેટા કંપનીએ અત્યંત અસરકારક કોવેક્સિનની સફળતામાં ફાળો આપ્યો. રોગપ્રતિકારક શક્તિ અને રસીની અસરકારકતા વધારવા માટે સહાયક પદાર્થ વેક્સિનના ભાગ રૂપે તૈયાર કરવામાં આવે છે.
કોવેક્સિન લીધેલા મોટા ભાગના લોકોમાં એન્ટિબોડી બનતી જોવા મળી છે. NIH અનુસાર વેક્સિનેશનના બીજા તબક્કાના પરિણામો જણાવે છે કે વેક્સિન સુરક્ષિત અને પ્રભાવી છે. ત્રીજા તબક્કાના ટેસ્ટિંગથી ખ્યાલ આવે છે કે વેક્સિન કોરોના સામે 78 ટકા પ્રભાવી છે.
ખાસ વાત તો એ છે કે કોવેક્સિનના બંને ડોઝ લેનારા લોકોની બ્લડ સ્ટડીથી ખ્યાલ આવ્યો છે કે આ એક એવી એન્ટીબોડી બનાવે છે કે SARS-CoV-2 ના B.1.17 (આલ્ફા) અને B.1.617 (ડેલ્ટા) વેરિએન્ટને બેઅસર કરી શકે છે.
આ ઉપરાંત નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ એલર્જી એન્ડ ઇન્ફેકશન ડીઝીઝના નિર્દેશક એન્થની એસ ફોસીએ કહ્યું કે આનંદ છે કે NIAID ના ટેકાથી યુ.એસ. માં વિકસિત નવી રસી એ ભારતમાં લોકોને ઉપલબ્ધ કોવિડ -19 રસીનો એક ભાગ છે.