Site icon Revoi.in

ચીન ફરી કોરોનાની ઝપેટમાં, અનેક ફ્લાઇટ્સ રદ, શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ

Social Share

નવી દિલ્હી: ચીનમાં ફરીથી કોરોનાએ માથુ ઉંચક્યું છે. તેનાથી સમગ્ર વિશ્વ ચિંતિત છે. અહીંયા ફરીથી નવા કેસોમાં ઉછાળો આવી રહ્યો છે અને હવે તકેદારીના ભાગરૂપે ચીનની સરકાર કડક પગલાં લઇ રહી છે. ફ્લાઇટ્સ રદ કરવામાં આવી રહી છે. બાળકોને કોવિડથી સુરક્ષિત કરવા માટે અનેક વિસ્તારોમાં શાળાઓ બંધ કરવામાં આવી છે. કેટલાક સ્થળોમાં ફરીથી લોકડાઉનની પણ ભીતિ સેવાઇ રહી છે.

ખાસ કરીને ચીનના ઉત્તર અને ઉત્તર-પશ્વિમ પ્રાંતમાં સંક્રમણ ઝડપી ગતિએ ફેલાઇ રહ્યું છે. કેટલાક બહારથી આવેલા પ્રવાસીઓને કારણે આ કોરોના સંક્રમણ ફેલાયું હોવાની સંભાવના હોવાથી પ્રશાસન કડક પગલાં લઇ રહ્યું છે. માસ ટેસ્ટિંગ ઉપરાંત પ્રવાસન સ્થળો પણ બંધ કરવામાં આવ્યા છે. મનોરંજનના સ્થળો પર પ્રતિબંધ છે.

ચીનના લાંઝોઉ વિસ્તારમાં લોકોને તકેદારી રાખવા કહેવામાં આવ્યું છે. લોકોને કોવિડનો નેગેટિવ રિપોર્ટ બતાવવા માટે કહેવામાં આવી રહ્યું છે. ખાસ કરીને શીયા અને લાંઝોઉ વિસ્તારોમાં 60 ટકા ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે.

નોંધનીય છે કે ચીનમાં છેલ્લા 24 કલાકમાં માત્ર 13 કેસ નોંધાયા છે, પરંતુ ગત વર્ષ જેવી વરવી સ્થિતિ ઉપસ્થિત ના થાય તે માટે અત્યારથી સાવધાની રાખવામાં આવી રહી છે. વિશ્વમાં કોરોના રોગચાળાની શરૂઆત પણ ચીનથી જ થઇ હોવાથી વિશ્વ ચિંતિત છે.