- કોરોના મહામારી દરમિયાન માસ્ક જીવનનું અનિવાર્ય અંગ બન્યું
- એક અભ્યાસ અનુસાર 1 મહિનામાં 129 અબજ માસ્ક વપરાય છે
- 1 મિનિટમાં 30 લાખ માસ્ક વપરાય છે
નવી દિલ્હી: કોરોના મહામારીના પગલે છેલ્લા 1 વર્ષથી માસ્ક જીવનનું અનિવાર્ય અંગ બની ગયું છે. મહામારીથી માસ્ક બચાવે છે છતાં ફેસ માસ્કનો પ્લાસ્ટિકની જેમ ઉપયોગ કરીને ફેંકી દેવામાં આવે છે અને તેને કારણે વેસ્ટ માસ્ક સ્વાસ્થ્ય અને પર્યાવરણ માટે જોખમી બન્યા છે. અત્યારસુધી મહામારી દરમિયાન કેટલા ડિસ્પોઝેબલ માસ્કનો સુરક્ષિત નિકાલ કરવામાં આવ્યો છે તે જાણવા મળ્યું નથી પરંતુ એક અભ્યાસ અનુસાર 1 મહિનામાં 129 અબજ અને 1 મિનિટમાં 30 લાખ માસ્ક વપરાય છે.
મોટા ભાગના ફેસ માસ્ક પ્લાસ્ટિક માઇક્રોફાઇબરની બનાવટના છે. નિષ્ણાતો દ્વારા એવી ચેતવણી અપાઇ છે કે જો માસ્કનો યોગ્ય રીતે નિકાલ કરવામાં નહીં આવે તો તે પર્યાવરણની દ્રષ્ટિએ મોટી સમસ્યા બની શકે છે. પ્લાસ્ટિકની જેમ જ ડિસ્પોઝેબલ માસ્ક હાનિકારક વસ્તુઓ, જૈવિક પદાર્થો જેવા કે બિસ્ફેનોલ એ જેવી ભારે ધાતુઓ ઉપરાંત રોગજનક સૂક્ષ્મ જીવો વાતાવરણમાં ફેલાવી શકે છે.
આ સંશોધન માહિતી ડેન્માર્ક યુનિવર્સિટીના પર્યાવરણ પોઇઝન વિષયના વિજ્ઞાાની જિયાઓંગ જેસન રેન દ્વારા આપવામાં આવી છે. ડિસ્પોઝેબલ માસ્કનું પ્લાસ્ટિકની બોટલોની જેમ પુષ્કળ પ્રમાણમાં ઉત્પાદન થાય છે પરંતુ તેનો સરળતાથી નાશ કરી શકાતો નથી.
સૂક્ષ્મ પ્લાસ્ટિક અને નેનો પ્લાસ્ટિકના કણ તૂટીને હવામાં ફેલાઇ શકે છે. સામાન્ય રીતે ૧ માઇક્રોમીટરથી પણ નાના કણ હોય છે જેને નેનો પ્લાસ્ટિક કહેવામાં આવે છે. સંશોધકોનું માનવું છે કે માસ્કના નેનો કણો પ્લાસ્ટિકના કણો કરતા પણ ઝડપથી ફેલાઇ શકે છે. પ્લાસ્ટિક બોટલોના કેટલાક પ્રકારના પ્લાસ્ટિકનું રિસાયકલિંગ થઇ શકે છે પરંતુ માસ્કના રિસાયકલ અંગે હજુ ખાસ સંશોધનો થયા નથી.
જો વેસ્ટ માસ્કનું ટકાઉ રિસાયકલ ના થઇ શકે તેવા સંજોગોમાં અન્ય પ્લાસ્ટિક કચરાની જેમ જ તે ડિસ્પોઝેબલ તરીકે લેન્ડફિલ પર અથવા તો મહાસાગરોમાં જોવા મળે તે દિવસો દૂર નથી.
(સંકેત)