Site icon Revoi.in

ડોનાલ્ડ ટ્રમ્પે 2024ની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં નસીબ અજમાવવાના આપ્યા સંકેત

Social Share

નવી દિલ્હી:  વ્હાઇટ હાઉસ છોડ્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ પ્રથમવાર સાર્વજનિક રીતે સામે આવ્યા હતા અને ઇશારા ઇશારામાં સ્પષ્ટ સંકેતો આપી દીધા હતા કે તેઓ આગામી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં નસીબ અજમાવશે. સાથે જ તેમણે નવી પાર્ટી બનાવવાની અટકળોને નકારી કાઢતાં કહ્યું હતું કે તે રિપબ્લિકન પાર્ટીનો સાથ પણ નહીં છોડે. ફ્લોરિડામાં એક કાર્યક્રમમાં સંબોધન દરમિયાન તેમણે કહ્યું હતું કે, 4 વર્ષ પહેલા જે યાત્રા શરૂ કરી હતી, તે હજુ સમાપ્ત થઇ નથી.

ડોનાલ્ડ ટ્રમ્પે કાર્યકર્તાઓને સંબોધિત કરતા કહ્યું હતું કે, હજુ અમારે ઘણુ કરવાનું બાકી છે. આપણે અહીં આપણા અભિયાન, આપણી પાર્ટી અને દેશના ભવિષ્ય વિશે વાત કરવા માટે એકઠા થયા છીએ. જો કે આ દરમિયાન તેમણે જીતના ખોટા દાવાને ફરીથી પુનરાવર્તિત કર્યો. સાથે જ તેમણે મહાભિયોગ પ્રસ્તાવનું સમર્થન કરનારા પાર્ટી નેતાઓને પણ આડે હાથ લીધા હતા.

ડોનાલ્ડ ટ્રમ્પે પોતાનું ભાષણ શરૂ કરતાં પહેલાં કોન્ફ્રેંસમાં હાજર લોકોને પૂછ્યું કે ‘શું તમે મને મિસ કરો છો? ટ્રમ્પે 2024ની પોતાની યોજનાઓનો ઉલ્લેખ કરતાં કહ્યું કે કોને ખબર કે હું ડેમોક્રેટ્સને ત્રીજીવાર હરાવવાનો નિર્ણય પણ લઇ શકું છું. તેમણે આગળ કહ્યું કે ડેમોક્રેટ્સ ચૂંટણી હારી ગયા હતા, પરંતુ કાવતરા હેઠળ તેમણે સત્તા પ્રાપ્ત કરી લીધી. હું 2024માં થનાર રાષ્ટ્રપતિ ચૂંટણીમાં તેમને ત્રીજીવાર હરાવવાનો નિર્ણય લઇ શકુ છું.

પૂર્વ રાષ્ટ્રપતિએ પાર્ટી કાર્યકર્તાઓને કહ્યું ‘તમારી મદદથી અમે સદનમાં પરત ફરીશું. અમે સીનેટ જીતીશું, અને પછી એક રિપબ્લિકન રાષ્ટ્રપતિ વ્હાઇટ હાઉસમાં વાપસી કરીશું.

(સંકેત)