Site icon Revoi.in

રાષ્ટ્રપતિનો કાર્યકાળ છોડતા જ ટ્રમ્પ પર તૂટી પડશે આફતનું વાદળ, આ બેંકે શરૂ કરી કાર્યવાહી

Social Share

વોશિંગ્ટન: અમેરિકાના વર્તમાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો કાર્યકાળ પૂર્ણ થવામાં હવે માત્ર એક સપ્તાહ જેટલો સમય બચ્યો છે ત્યારે આગળ તેને અનેક મુશ્કેલીનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે. કારણ કે ગત સપ્તાહે કેપિટોલ હિલ હિંસા બાદ લોકો તેમની કંપનીઓ સાથે કામ કરવાથી બચી રહ્યા છે. આ સાથે જ બેંક પણ તેને ઝટકો આપવાની તૈયારીમાં છે.

કેપિટોલ હિલની હિંસા બાદ સિગ્નેચર બેંકે ડોનાલ્ડ ટ્રમ્પના વ્યક્તિગત એકાઉન્ટ્સ સામે કાર્યવાહી કરતા તેને બંધ કરવાનું શરુ કરી દીધું છે. આ સાથે એ સ્પષ્ટ નથી કે આગામી સમયમાં ટ્રમ્પ ઓર્ગેનાઇઝેશનને કોઇ બેંક લોન આપવામાં આવશે કે નહીં. છેલ્લા 10 વર્ષમાં ડોઇશ બેંકે ડોનાલ્ડ ટ્રમ્પની કંપનીઓને 300 મિલિયન ડોલર કરતાં વધુ લોન આપી છે. પરંતુ ગત મહિને ડોઇશ બેંકમાં ટ્રમ્પના બે નીકટના પ્રાઇવેટ બેન્કર્સે રાજીનામા આપી દીધા હતા.

તે ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પની પોપર્ટીઝ પર પણ જોખમ તોળાઇ રહ્યું છે. જેમાં વોશિંગ્ટન ડીસીમાં પૂર્વ પોસ્ટઓફિસ ઉપર બનેલી હોટલ છે. સરકારી પ્રોપર્ટીમાં હોટલ ચલાવવી હવે ટ્રમ્પને ભારે પડી શકે છે.

હિંસા બાદ અનેક કંપનીઓએ પણ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેના સંબંધો પર પૂર્ણવિરામ મૂક્યું છે. જેમાં પ્રોફેશનલ ગોલ્ફર્સ એસોસિએશનએ પણ અંતર જાળવ્યું છે. હવે PGA અમેરિકાએ નક્કી કર્યું છે કે ન્યૂજર્સી સ્થિત ટ્રમ્પના ગોલ્ફ કોર્સમાં ચેમ્પિયનશિપનું આયોજન નહીં થાય.

ફોર્બ્સ અનુસાર કોરોના વાયરસ મહામારી દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પની કંપનીઓએ ખૂબ નુકસાન વેઠવું પડ્યું છે. તેમની નેટવર્થ 100 કરોડ ડોલર ઓછી થઇ ગઇ છે. જો કે આમ છતાં તેમની નેટવર્થ 2.5 બિલિયન ડોલર એટલે કે અંદાજે 18308 કરોડ રૂપિયા છે.

નોંધનીય છે કે, દુનિયાના અનેક દેશોમાં પોતાનો વેપાર વધારનારા ડોનાલ્ડ ટ્રમ્પનો ભારતમાં પણ બિઝનેસ ચાલુ છે અને તેમણે મુંબઈ ઉપરાંત પુણેમાં પણ ટ્રમ્પ ટાવર બનાવ્યા છે. પુણે સ્થિત ટાવરને પંચશીલ ડેવલપર્સે બનાવ્યા છે અને 23 માળનો આ ટાવર દેશની પહેલી ઈકો ફ્રેન્ડલી ઈમારત છે.

(સંકેત)