- કોરોનાથી બચવાનો સંદેશો આપવા માટે સાઉથ કોરિયામાં અલગ પ્રયાસ
- 300 ડ્રોનની મદદથી આકાશમાં વિવિધ તસવીરો બનાવી આપ્યો સંદેશ
- સાઉથ કોરિયામાં અત્યાર સુધી કોરોનાના 13,879 કેસ
કોરોનાથી બચવા માટે હાલમાં માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ, હેન્ડ વોશ એમ દરેક વસ્તુનું પાલન કરવું આવશ્યક બન્યું છે ત્યારે વિશ્વના અનેક દેશો વિવિધ રીતે લોકોને કોરોનાથી બચવાનો સંદેશ આપી રહ્યા છે. આવો જ એક પ્રયાસ સાઉથ કોરિયાએ કર્યો છે.
સાઉથ કોરિયાની રાજધાની સીઓલમાં હાલમાં જ આકાશમાંથી તારાની જેમ ટમટમતા ડ્રોનના માધ્યમથી કોરોનાથી બચવાનો સંદેશ અપાયો હતો. હેન નદી પર વિપુલ સંખ્યામાં ડ્રોને સોશિયલ ડિસ્ટન્સિંગ, હેન્ડવોશ, માસ્ક અને આરોગ્યકર્મીઓની તસવીર બનાવી આભાર માન્યો હતો.
સાઉથ કોરિયાના રહેવાસીઓને આ મહામારીથી બચાવવા માટે આ પહેલ આદરવા માટે 300 ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેને જોવા માટે લાખો લોકો ઉમટી પડ્યા હતા. આકાશમાં એક તસવીરને 10 મિનિટ સુધી રાખવામાં આવી હતી.
સાઉથ કોરિયામાં અત્યાર સુધી કોરોનાના 13,879 કેસ સામે આવ્યા છે, જેમાં 297 લોકોના મૃત્યુ થયા છે.
સાઉથ કોરિયામાં કોરોના નિયંત્રણમાં હોવાની જાહેરાત કરાયા બાદ પણ નવા 63 કેસ સામે આવ્યા છે ત્યારે સાઉથ કોરિયામાં હજુ કોરોનાના કેસને અંકુશમાં રાખવા અને કેસમાં ઘટાડો કરવા માટે સાઉથ કોરિયા આ પ્રકારના પ્રયાસો કરીને લોકોમાં માસ્કની અનિવાર્યતા, હેન્ડવોશ, સોશિયલ ડિસ્ટન્સિંગ અંગે જાગૃતિ ફેલાવવાનું કામ કરી રહ્યું છે.
(સંકેત)