Site icon Revoi.in

સ્પેસએક્સના રોકેટે કર્યું સફળ લેન્ડિંગ, જો કે થોડીવાર બાદ થયો વિસ્ફોટ

Social Share

નવી દિલ્હી: એલન મસ્કની સ્પેસ એક્સપ્લોરેશન ટેક્નોલોજીસ કોર્પોરેશનના નવા અને સૌથી વિશાળ રોકેટે પોતાની ત્રીજી ટેસ્ટ ફ્લાઇટમાં પ્રથમ વખત સફળ લેન્ડિંગ કર્યું હતું. જો કે થોડી વાર બાદ તેમાં વિસ્ફોટ થયો હતો અને આગ લાગી ગઇ હતી. આપને જણાવી દઇએ કે સ્પેસએક્સના સ્પેસક્રાફ્ટ સ્ટારશિપ એસએન10ને સાંજે 5.15 કલાકે બોલા ચિકા ખાતેથી લોન્ચ કરવામાં આવ્યું હતું. કંપનીએ તેનો એક વીડિયો પોતાની વેબસાઇટ પર જાહેર કર્યો છે.

વેબસાઇટના અહેવાલ અનુસાર, રોકેટે લેન્ડ પેડને અડતા પહેલા 10 કિમી સુધીની ઉડાન ભરી હતી. લેન્ડિંગ બાદ તરત જ રોકેટમાં વિસ્ફોટ થઇ ગયો હતો અને તે આગની લપેટોમાં ઘેરાઇ ગયું હતું. આગ લાગતા પહેલા રોકેટ પોતાના 3 પ્રયાસોમાં પ્રથમ વખત સફળ લેન્ડિંગ સાથે એક મહત્વના પડાવ પર પહોંચ્યું છે.

આ રોકેટનું સફળ લેન્ડિંગ સ્પેસ ટ્રાવેલની દિશાનું મહત્વનું પગલું છે. આ સફળતા સ્પેસએક્સના સીઈઓ એલન મસ્ક 2023 સુધીમાં 12 લોકોને ચંદ્ર પર મોકલવા માંગે છે તે દિશાનું મહત્વનું પગલું છે.

તે ઉપરાંત તેમની યોજનાઓ વિશે વાત કરીએ તો નાસાના અંતરિક્ષ યાત્રીઓને ચંદ્રની સપાટી પર પહોંચાડવા તેમજ મંગળ પર મોકલવાનો પણ સમાવેશ થાય છે. હાલ કંપની પોતાની પ્રથમ કક્ષીય ઉડાન માટે સ્ટારશિપ તૈયાર કરવાનું કામ કરી રહી છે જે આ વર્ષના અંતમાં પૂર્ણ થાય તેવી શક્યતા છે.

(સંકેત)