- સિંગાપુરમાં કોરોનાના નવા વેરિયન્ટની દસ્તક
- કોરોનાનું નવું વેરિયન્ટ સિંગાપુરમાં ઝડપી ગતિએ પ્રસરી રહ્યું છે
- સિંગાપુરમાં જાહેર કાર્યક્રમો પર પ્રતિબંધ લાગૂ કરાયો
નવી દિલ્હી: ભારતમાં કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવ્યો છે ત્યારે હેવ સિંગાપુરમાં પણ કોરોનાના નવા વેરિયન્ટે દસ્તક દેતા ત્યાં પણ પરેશાની વધી છે. સિંગાપુર સરકાર અનુસાર, કોરોનાનું B.1. 167 વેરિયન્ટ બાળકોને વધારે પ્રભાવિત કરી રહ્યું છે. કોરોનાનું આ નવું વેરિયન્ટ સિંગાપુરમાં ઝડપી ગતિએ પ્રસરી રહ્યું છે. સિંગાપુરે તકેદારીના ભાગરૂપે લોકોના એકત્ર થવા પર તેમજ જાહેર કાર્યક્રમો પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કર્યો છે.
સિંગાપુરમાં બાળકો પ્રભાવિત થઇ રહ્યા છે પરંતુ કેટલા એ અંગે કોઇ ચોક્કસ ડેટા સામે આવ્યા નથી. સિંગાપુરના સ્વાસ્થ્ય મંત્રી ઓંગ યે કુંગ અનુસાર કોરોનાના કેસ વધ્યા છે અને આ કારણથી લોકોની મુવમેન્ટ પર પ્રતિબંધ મૂકવો આવશ્યક છે. સિંગાપુરમાં અત્યારસુધી કોરોનાના 61 હજાર કેસ સામે આવ્યા છે, તેમાં પણ મોટા ભાગના વિદેશી શ્રમિકોની ડોરમેટ્રીથી આવ્યા છ.
સમગ્ર વિશ્વમાં સિંગાપુરના કોરોના નિયંત્રણ મૉડલની સરાહના થઇ રહી છે. સિંગાપુરમાં કોરોનાને નિંયત્રિત કરવા માટેનું મેનેજમેન્ટ ઉત્તમ સાબિત થયું છે. સમગ્ર દેશની લગભગ 20 ટકા વસતીને કોરોના વેક્સિનના બંને ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં મોડર્ના અને ફાઇઝરની રસીથી રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે.
અગાઉ મંગળવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal)એ દાવો કર્યો છે કે સિંગાપુર વેરિયન્ટના કારણે ભારતમાં કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે. તેઓએ કેન્દ્ર સરકારને અપીલ કરતાં કહ્યું છે કે સિંગાપુરથી અવર-જવર પર પ્રતિબંધ લગાવી દેવો જોઈએ.
કોવિડ નેશનલ ટાસ્ક ફોર્સના સભ્ય ડૉ. વીકે પૉલે કહ્યું છે કે બાળકોમાં કોવિડ સંક્રમણને લઈને અમે વેરિયન્ટને લઈને આવી રહેલા રિપોર્ટ્સનું પરીક્ષણ કરી રહ્યા છીએ. રાહતની વાત એ છે કે તેમાં સંક્રમણ ગંભીર નથી થઈ રહ્યું. અમે તેની પર નજર રાખી રહ્યા છીએ.