- ઇથોપિયામાં ભયંકર નરસંહાર
- બંદૂકધારીઓએ કરેલા ભીષણ હુમલામાં 100થી વધુ લોકોના મોત
- જ્યારે આ હુમલો થયો ત્યારે લોકો પોતાના ઘરોમાં સૂઈ રહ્યા હતા
નૈરોબી: ઇથોપિયાની આજની સવાર લોહિયાળ રહી હતી. ઇથોપિયામાં બંદૂકધારીઓએ કરેલા ભીષણ હુમલામાં 100થી વધુ લોકોના મોત નિપજ્યા છે. આ ઘાતક હુમલો બુલેન કાઉન્ટિના બેકોજી ગામમાં થયો હતો. જાતિય હિંસાથી ઝઝુમી રહેલા આ વિસ્તારના લોકો પોતાના ઘર છોડીને ભાગી ગયા હતા. ઇથોપિયા આફ્રિકાનો બીજો સૌથી વધુ વસતી ધરાવતો દેશ છે. વર્ષ 2018માં વડાપ્રધાન અબિય અહેમદે સત્તા ગ્રહણ કર્યા બાદ અહિંયા સતત હિંસાના બનાવો બની રહ્યા છે.
મેતેકેલ ઝોના પશ્ચિમ બેનિશાંગુલ-ગુમુઝ વિસ્તારમાં થયેલા આ નરસંહાર અંગે જાણકારી આપતા ઈથોપિયાના માનવાધિકાર આયોગે કહ્યું કે દેશના પશ્ચિમ ભાગમાં બુધવારે થયેલા આ નરસંહારમાં 100થી વધુ લોકો માર્યા ગયા છે.
પ્રાપ્ત અહેવાલ અનુસાર બુધવારે વહેલી સવારે બંદૂકધારીઓએ બુલે કાઉન્ટીના બેકોજી ગામ પર હુમલો કર્યો અને લોકો પર આડેધડ ગોળીબાર કર્યો હતો. અનેક લોકોએ ગામથી ભાગી જઇને પોતાનો જીવ બચાવ્યો હતો. અહીં અલગ અલગ જાતિના લોકો રહે છે. જ્યારે આ હુમલો થયો ત્યારે લોકો પોતાના ઘરોમાં સૂઈ રહ્યા હતા. આ હુમલો એવા સમયે થયો કે જ્યારે એક દિવસ પહેલા જ પ્રધાનમંત્રી આબી અહેમદે વિસ્તારની મુલાકાત લીધી હતી અને હાલમાં જ હુમલા અંગે દોષિતોને સજા આપવાની વાત કરી હતી.
મહત્વનું છે કે, વડા પ્રધાન અહેમદે લોકત્રાંતિકમાં સુધારાઓ કર્યા છે જેનાથી પ્રાદેશિક હરીફ જૂથો પર તેમની પકડ ઓછી થઈ છે. ઇથોપિયામાં આવતા વર્ષે ચૂંટણીઓ યોજાવાની છે અને જમીન, સત્તા અને કુદરતી સંસાધનોને લઈને તનાવ વધતો જઈ રહ્યો છે. બીજી તરફ, દેશના બીજા ભાગમાં ઇથોપિયન સેના બળવાખોરો સામે લડી રહી છે. ઇથોપિયાની સેના અને વિરોધીઓ વચ્ચે છેસ્સા 6 અઠવાડિયાથી સંઘર્ષ ચાલી રહ્યો છે.
(સંકેત)