કોરોના સામેની જંગ: યુરોપીયન સંઘ 750 અબજ યુરોનું ઐતિહાસિક પેકેજ આપશે
- કોરોના સંકટને કારણે યુરોપિયન સંઘએ 750 અબજ યુરોનું પેકેજ જાહેર કર્યું
- કોરોના સંકટથી સૌથી વધુ પ્રભાવિત દેશોને આ રકમમાંથી ફંડ અપાશે
- યુરોપીયન સંઘના નેતાઓ વચ્ચે શિખર મંત્રણા બાદ લેવાયો નિર્ણય
કોરોના સંકટને કારણે સમગ્ર વિશ્વમાં આર્થિક અનિશ્વિતતા અને મંદીનો માહોલ પ્રવર્તિત છે ત્યારે તેનો સામનો કરવા માટે યુરોપીયન સંઘના દેશોએ અતિ મહત્વનો નિર્ણય લેતા 750 અબજ યુરોનું કોરોના વાયરસ ફંડ બનાવવાનું નક્કી કર્યું છે. કોરોના સંકટથી સૌથી વધુ પ્રભાવિત દેશોને દવા અને દાન પેટે આ ફંડની રકમ અપાશે.
પ્રાપ્ત વિગતો અનુસાર યુરોપીયન સંઘના નેતાઓ વચ્ચે આ માટે શિખર વાર્તા યોજાઇ હતી. શિખર મંત્રણા બાદ મંગળવારે 1820 અબજ યુરો (2100 અબજ અમેરિકન ડોલર)નું બજેટ અને કોરોના વાયરસ સુધાર ફંડ ઉભુ કરવા માટે સહમતિનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
યુરોપીયન સંઘે 7 વર્ષ માટે 1000 અબજ યુરોના બજેટ પર સંમતિ મેળવી હતી. પહેલા કુલ દાનની રકમ 500 અબજ યુરો નિર્ધારિત કરાઇ હતી પરંતુ પાછળથી તે ઘટાડીને 390 અબજ યુરો કરી દેવાઇ હતી.
આ નિર્ણય બાદ બેલ્જિયમના પીએમ સોફી વિલ્મેસે પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું કે આ પહેલા ક્યારે પણ યુરોપીયન યુનિયને આ પ્રકારનું રોકાણ નથી કર્યું. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોંને કહ્યું હતું કે આના પરિણામો ઐતિહાસિક આવશે.
(સંકેત)