- અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં હાર બાદ પણ હાર માનવા તૈયાર નથી ટ્રમ્પ
- હવે ટ્રમ્પે દોષનો ટોપલો FBI પર ઢોળ્યો
- એફબીઆઇ પણ બાઇડેનની તરફેણમાં કામ કરી રહી હતી: ટ્રમ્પ
વોશિંગ્ટન: અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં હાર બાદ પણ ડોનાલ્ડ ટ્રમ્પ દોષનો ટોપલો પહેલા પોસ્ટલ વોટ અને હવે FBI પર ઢોળ્યો છે. ચૂંટણી હાર્યા બાદ પ્રથમવાર એક ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં તેમણે તપાસ એજન્સી FBI પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, તપાસમાં કોઇ મદદ નથી કરી અને ચૂંટણીમાં ધાંધલીને રોકવાની દિશામાં કોઇ મહત્વનું પગલું હજુ સુધી ઉઠાવવામાં આવ્યું નથી.
FBI પર ટ્રમ્પે લગાવ્યો આરોપ
ટ્રમ્પે FBI પર પણ આરોપ લગાવ્યો હતો કે એફબીઆઇ પણ બાઇડેનની તરફેણમાં કામ કરી રહી હતી અને તે પણ ધાંધલીમાં સામેલ હતી. 6 મહિનામાં મારું મન બદલી જશે તેવું ક્યારેય નહીં થાય. આ ચૂંટણીમાં ધાંધલી થઇ છે. હું બાઇડેનની જીતનો ક્યારેય સ્વીકાર નહીં કરું અને મતદાનમાં ધોખાઘડીની વાત પર અડગ રહીશે.
ન્યાય પ્રણાલી પર ઉઠાવ્યો સવાલ
ટ્રમ્પે આરોપ ઘણા લગાવ્યા છે પરંતુ તેઓ આરોપ સાથે પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ રહ્યા છે. આમ છત્તાં તેઓ હાર માનવા તૈયાર નથી. તેમણે FBI ઉપરાંત ન્યાય વિભાગ પણ મિસિંગ ઇન એક્શન કહ્યું. ત્યારબાદ તેમણે સવાલો ઉઠાવ્યા હતા કે તમામ સિસ્ટમ જો બાઇડેનના પક્ષમાં કામ કરી રહ્યું હતું. FBIમાં કેટલાક લોકો તેમની વિરુદ્વ કામ કરી રહ્યા હતા.
નોંધનીય છે કે, ચૂંટણીમાં હાર બાદ ડોનાલ્ડ ટ્રમ્પે યુએસના અનેક રાજ્યોમાં કેસ દાખલ કર્યો હતો પરંતુ ટ્રમ્પ દરેક વખતે આરોપની સાથે પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ નિવડ્યા હતા જેને કારણે તમામ કેસ ફગાવી દેવામાં આવ્યા હતા. તાજેતરમાં પેન્સિલવેનિયા કોર્ટમાં બાઇડનની જીત સામે કરવામાં આવેલી અરજી કોર્ટે ફગાવી દીધી હતી.
(સંકેત)