Site icon Revoi.in

ફ્રાન્સમાં ક્લાઉડ સર્વિસ કંપનીમાં લાગી ભીષણ આગ, અસંખ્ય વેબસાઇટ્સ થઇ ઠપ

Social Share

નવી દિલ્હી: ફ્રાન્સમાં ક્લાઉડ સર્વિસ કંપનીમાં આગ લાગતા અસંખ્ય વેબસાઇટ્સ બંધ થઇ ગઇ હતી. ફ્રાન્સની સરકારી વેબસાઇટ્સ પણ ઠપ થઇ ગઇ હતી. એક ડેટા સેન્ટર બળીને ખાક થયું હોવાના અહેવાલો રજૂ થયા હતા. આગ લાગવાના કારણની તપાસ શરૂ કરવામાં આવી હતી. કંપની યુરોપની સૌથી મોટી ક્લાઉડ સર્વિસ પ્રોવાઇડર હોવાથી વ્યાપક અસર થઇ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ફ્રાન્સની ક્લાઉડ સર્વિસ પ્રોવાઇડર કંપની ઓવીએચના ડેટા સેન્ટરમાં ભયાનક આગ લાગી હતી. ફ્રાન્સના સ્ટ્રેસબર્ગમાં આવેલા સેન્ટરમાં આગ લાગી હતી. એ સ્થળે કંપનીના ચાર ડેટા સેન્ટર છે. આગના કારણે એક આખું ડેટા સેન્ટર બળીને ખાક થઇ ગયું હતું. આ આગને ઠારવા માટે 100 ફાયર ફાઇટર્સે મથામણ શરૂ કરી હતી. આગ એટલી વિકરાળ હતી કે તેનો ધુમાડો સમગ્ર વિસ્તારમાં છવાઇ ગયો હતો.

ઓવીએચ ક્લાઉડ કંપની ફ્રાન્સ સરકારની વેબસાઈટ્સને પણ સર્વિસ પૂરી પાડે છે. તેના કારણે ફ્રાન્સની સરકારી વેબસાઈટની સર્વિસ પણ ઠપ થઈ ગઈ હતી. ફ્રાન્સનું સત્તાવાર એક્સટેન્શન એફઆર છે. એફઆર વેબ સ્પેસની મોટાભાગની વેબસાઈટ્સને આ આગની અસર થઈ હતી.

કંપની ફ્રાન્સમાં જ 17 ડેટા સેન્ટર ધરાવે છે અને દુનિયાભરમાં તેના કુલ 32 વિશાળ ડેટા સેન્ટર છે. આખા યુરોપની વિખ્યાત કંપનીઓ ઓવીએચની ક્લાઉડ સર્વિસનો ઉપયોગ કરે છે. તેના કારણે આ કંપનીઓના સર્વર બંધ પડી ગયા હતા.

આગ લાગવાથી કંપનીને કેટલું નુકસાન થયું છે તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી ન હતી. આગ લાગવાના કારણની પણ સરકારી એજન્સીઓએ તપાસ શરૂ કરી છે. કંપનીના સીઈઓએ ટ્વિટરમાં જાણકારી આપી હતી.

(સંકેત)