Site icon Revoi.in

અંતરિક્ષનો કચરો દૂર કરવા સ્વિસ કંપની ક્લિયર સ્પેસએ સફાઇ અભિયાન આદર્યું

Social Share

જોહનિસબર્ગ: પૃથ્વીની ભ્રમણ કક્ષાની આસપાસ દર વર્ષે અનેક કચરાના ટુકડાઓ અને અવશેષો જમા થતા હોય છે. જે ત્યાં જ તરતા રહે છે. દિવસે દિવસે આ કચરો સતત વધી રહ્યો છે ત્યારે હવે એક સ્વિસ કંપની પ્રથમવાર અંતરિક્ષમાં સફાઇ અભિયાન શરૂ કરવા જઇ રહી છે. યૂરોપની સ્પેસ એજન્સી અનુસાર આ અંગે સ્વીસ કંપનીના પ્રતિનિધિઓ સાથે 8.6 કરોડ યૂરો ડોલરની ડીલ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. ક્લિયર સ્પેસ નામની કંપનીને આશા છે કે તે વર્ષ 2025 સુધીમાં ખાસ ઉપગ્રહ મોકલશે જે પૃથ્વીની કક્ષાની આસપાસ ફરતા કચરાના ટુકડાઓ અને અવશેષોને જમા કરશે.

આ ટુકડાઓ પૃથ્વની ભ્રમણકક્ષાની ઉપર આવતા નથી કે જતા નથી બસ ત્રિશંકુની માફક ભટક્યા જ કરે છે. એક અભ્યાસ અનુસાર 1 થી 10 સેમી લંબાઇ ધરાવતા કચરાની સંખ્યા 7 લાખ આસપાસ થાય છે. આ કચરાથી વિવિધ કામગીરી માટે મોકલવામાં આવેલા ઉપગ્રહો અને આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનને નુકસાન થવાની શક્યતા રહેલી છે. માનવીય હસ્તક્ષેપના કારણે પૃથ્વી, પાતાળ અને હવે આકાશ પર પ્રદૂષણથી બાકાત રહ્યું નથી. સ્પેસમાં વાતાવરણ ના હોવાથી પૃથ્વી પર થતી કોઇ પ્રક્રિયા ત્યાં થતી નથી આથી કચરો મૂળ સ્વરૂપે જ રહે છે. આ જ કારણોસર તેનો આપમેળે નિકાલ પણ શક્ય નથી.

અવકાશમાં રહેલો કચરો દૂર કરવા કે ઓછો કરવા માટે જાપાન, અમેરિકા સહિતના દેશના વૈજ્ઞાનિકો અને સ્પેસ એજન્સીઓ પ્રયત્નશીલ છે પરંતુ તેમાં ધારી સફળતા પ્રાપ્ત નથી થતી. હવે યૂરોપિયન સ્પેસ એજન્સીએ પણ સ્પેસમાં સફાઇ અભિયાન ચલાવવાનું નક્કી કર્યું છે. આ અંગે ક્લિયર સ્પેસના સંસ્થાપક અને CEOનું કહેવું છે કે આગળ જતા સેંકડો દેશો પોતાના હજારો સેટેલાઇટ સ્પેસ છોડશે જેને કારણે પ્રદૂષણમાં ખૂબ જ વધારો થશે. તેથી તેને દૂર કરવું ખૂબ જ આવશ્યક છે.

નકામા અને આવરદા પુરી કરી ગયેલા સેટેલાઇટસને પૃથ્વી પર લાવી શકાતા નથી આથી તેનો પણ કચરો પેદા થાય છે. સ્પેસ અભિયાનો દરમિયાન અવકાશયાત્રીઓ દ્વારા ઉપયોગ કરીને ફેંકી દેવામાં આવતી વસ્તુઓ પણ સ્પેસમાં તરતી રહે છે. અંતરિક્ષ સફાઇની પ્રથમ મિશન કિલયર સ્પેસ -૧ની શરુઆત  સ્પેસમાં ૧૧૨ કિલો વજન ધરાવતા નકામા થઇ ગયેલા ટુકડાથી થશે જેને વેસ્પા કહેવામાં આવે છે. ત્યાર પછી મિશનોમાં સૌથી નડતો અને ભયજનક કચરો તારવીને સાફ કરવામાં આવશે.

(સંકેત)