- ચીનમાં કોરોનાએ ફરી ઉથલો માર્યો
- બિજિંગમાં કેસ વધતા અનેક ફ્લાઇટ્સ રદ કરાઇ
- અનેક પ્રવાસ નિયંત્રણો લાદવામાં આવ્યા
નવી દિલ્હી: ચીનમાં કોરોનાએ ફરીથી ઉથલો માર્યો છે. અનેક શહેરોમાં હવે કોરોનાના કેસો ફરીથી વધી રહ્યા છે. બિજિંગમાં પણ કોરોનાના કેસોમાં ફરીથી ઉછાળો આવ્યો છે. જેને કારણે હવે સતર્કતાને પગલે શહેરના બે વ્યસ્ત ઇન્ટરનેશન એરપોર્ટ્સ પરથી અડધી ફ્લાઇટ્સને રદ કરી નાંખવામાં આવી છે. આ બંને એરપોર્ટ્સ પર રોજની સરેરાશ 800 થી 1000 ફ્લાઇટ્સનું આવાગમન થાય છે.
ચીનમાં કોરોનાના નવા વેરિએન્ટે માથુ ઉંચકતા અનેક પ્રાંતોમાં હવે પ્રવાસને લઇને પણ નિયંત્રણો લાદવામાં આવ્યા છે. બિજિંગના આરોગ્ય કમિશને પણ લોકોને સતર્ક કર્યા છે કે, જેમણે કોઇપણ કારણોસર બિજિંગ છોડ્યું હોય તેમણે પાછા ફરવાનું મુલતવી રાખવું અને જ્યાં હોય ત્યાં જ રહેવું.
શાંઘાઇમાં પણ કેટલાક કડક પગલાં લેવામાં આવ્યા છે. અહીંયા ડિઝનીલેન્ડમાં 34,000 લોકોમાંથી એક જ મહિલા કોરોના પોઝિટિવ જણાતા ડિઝનીલેન્ડને બંધ કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. બિજિંગમાં પ્રવેશવા માટે નેગેટિવ કોરોના ટેસ્ટ ફરજીયાત કરી નાંખવામાં આવ્યો છે. કોરોનાના નવા 54 કેસો નોંધાવાને પગલે કુલ વર્તમાન સક્રિય કેસોની સંખ્યા 900ને પાર પહોંચી છે.
નોંધનીય છે કે, સમગ્ર વિશ્વમાં કોરોનાના આંકડા પર નજર કરીએ તો કોરોનાના નવા 1,66,172 કેસ નોંધાવાને પગલે કુલ કેસોની સંખ્યા 248.023,066 થઇ છે જ્યારે 3753 મૃત્યુઆંક થવાને પગલે કોરોના મરણાંક 50,24,253 થયો હતો. યુએસમાં કોરોનાના નવા 48,839 કેસો નોંધાયા છે.