Site icon Revoi.in

તાલિબાને હિંસા છોડી ના હોવાથી અમે માન્યતા નહીં આપીએ: ફ્રાન્સ

Social Share

નવી દિલ્હી: તાલિબાન પ્રત્યે ફ્રાન્સે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. ફ્રાન્સના વિદેશ મંત્રીએ કહ્યું હતું કે, તાલિબાનોએ હિંસા રોકવાના જે દાવા કર્યા હતા એ પોકળ સાબિત થયા હતા એટલે હવે અમે તાલિબાનની સરકારને માન્યતા આપવા અંગે વિચારવાના નથી. તાલિબાનીઓ હજુ હિંસા આચરી રહ્યાં છે.

ફ્રાન્સના વિદેશ મંત્રી જીન યવેસ લી ડ્રિયને કહ્યું હતું કે, તાલિબાનો જૂઠા છે. હિંસા રોકવાના જે દાવા કર્યા હતા એ પોકળ સાબિત થયા છે. તાલિબાનની સરકાર સાથે ફ્રાન્સ કોઇ જ સંબંધ રાખશે નહીં. આ રીતે ફ્રાન્સના વિદેશ મંત્રીએ આ નિવેદન આપીને તાલિબાનોને અરીસો બતાવ્યો હતો.

બીજી તરફ યુએનના માનવ અધિકાર પંચના વડાએ કહ્યું હતું કે, તાલિબાનો બદલો લઇ રહ્યા છે. જે સૈનિકો, અધિકારીઓ અને નેતાઓ અગાઉની અફઘાનિસ્તાન સરકારમાં કાર્યરત હતા તેમને જાનથી મારી નાખવાની ધમકી વારંવાર મળતી હોવાની વ્યાપક ફરિયાદો મળી રહી છે. અમેરિકા સાથે કાર્યરત અફઘાનિસ્તાનના નાગરિકોને નિશાન બનાવીને તાલિબાનો હિંસા આચરી રહ્યા છે.

દરમિયાન યુએનના વડા એન્ટોનિયો ગ્યુટેરેસે વિશ્વના દેશોને અફઘાનિસ્તાનના પીડિતો માટે ફંડની અપીલ કરી હતી. યુએનના વડાએ કહ્યું હતું કે અફઘાન કટોકટીમાં ભોગ બનેલા અને નિરાશ્રિત થયેલા લોકોના ખોરાક અને રહેઠાંણ માટે આ વર્ષના અંત સુધીમાં ઓછામાં ઓછાં ૬૦ કરોડ ડોલરની જરૃર પડશે.

વિશ્વએ આ બાબતે એક થઈને મદદનો હાથ લંબાવવો જોઈએ. તે સાથે જ યુએનના વડાએ બે કરોડ ડોલરની રકમ ફાળવી હતી. અમેરિકા અફઘાન કટોકટીના પીડિતોને ૬.૪ કરોડ ડોલરની રકમ આપશે. જો બાઈડેને જાહેરાત કરી હતી કે અમેરિકા અફઘાનિસ્તાનના લોકો માટે આ રકમ ફાળવશે.