Site icon Revoi.in

કોરોના સામે લડતા ભારત માટે આ દેશે દર્શાવી મિત્રતા, કહ્યું – ‘આ સંઘર્ષમાં અમે તમારી સાથે’

Social Share

નવી દિલ્હી: ભારતમાં કોરોના સંક્રમણ પીક ઉપર છે. સ્થિતિ નિયંત્રણ બહાર છે. આ બધા વચ્ચે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને કોરોના સંક્રમણને પહોંચી વળવા માટે ભારતની મદદ કરવાની રજુઆત કરી છે.

આ અંગે ઇમેન્યુઅલ મેક્રોને કહ્યું કે, હું કોવિડ-19ના ફરીથી વધતા કેસનો સામનો કરી રહેલા ભારતીયોને એકજૂટતાનો સંદેશ આપવા માંગુ છુ. આ સંઘર્ષમાં ફ્રાન્સ તમારી સાથે છે. આ મહામારીએ કોઇને છોડ્યા નથી. અમે તમને સપોર્ટ કરવા માટે તૈયાર છીએ.

આપને જણાવી દઇએ કે, ભારતમાં વધતા કોરોના કહેર વચ્ચે ફ્રાન્સે ભારતથી આવતા મુસાફરો માટે 10 દિવસ સુધી ક્વોરન્ટિન કરવાનો નિર્ણય લીધો છે. જ્યારે બ્રિટન, પાકિસ્તાન અને કેનેડાએ પણ ભારતને રેડ લિસ્ટમાં રાખ્યું છે અને ભારતથી આવતી ફ્લાઇટ્સ પર રોક લગાવી છે.

નોંધનીય છે કે, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 3,32,730 નવા દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો 1,62,63,695 પર પહોંચી ગયો છે. જેમાંથી 1,36,48,159 દર્દીઓ સાજા થયા છે જ્યારે 24,28,616 દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે.

બીજી તરફ સંયુક્ત આરબ અમીરાતએ પણ ભારતમાં વધતા કોરોના સંક્રમણને જોતા ટ્રાવેલ બેન લગાવ્યો છે. આ નિર્ણયને કારણે ત્યાં જવાની તૈયારી કરી રહેલા લોકો ખૂબ પરેશાન છે.

આ બાજુ કેનેડાએ પણ ભારત અને પાકિસ્તાનના મુસાફરો પર ક્ષેત્રમાં કોરોનાના વધતા કેસના કારણે 30 દિવસનો ટ્રાવેલ બેન લગાવ્યો છે.

(સંકેત)