Site icon Revoi.in

બ્રિટન: વર્ષ 2030થી પેટ્રોલ-ડીઝલથી ચાલતી કાર નહીં વેચાય

Social Share

લંડન: દુનિયાભરમાં વાયુ પ્રદૂષણ સતત વકરી રહ્યું છે અને સમગ્ર દુનિયા માટે એક મોટો પડકાર બન્યો છે. વાયુ પ્રદૂષણ પર કાબુ મેળવવા માટે સમગ્ર વિશ્વમાં પગલાં ઉઠાવાઇ રહ્યા છે. હવે બ્રિટન વાયુ પ્રદૂષણને નાથવા માટે અત્યાર સુધીનો સૌથી મોટો નિર્ણય લેવા જઇ રહ્યું છે. જો આ નિર્ણય લાગુ થશે તો બ્રિટનના ઓટોમોટિવ માર્કેટનું ચિત્ર સંપૂર્ણપણે બદલાઇ જશે.

વાયુ પ્રદૂષણ માટે પેટ્રોલ અને ડીઝલથી ચાલતા વાહનો મહત્વનું કારણ છે. તમામ પ્રયાસો છત્તાં દુનિયાભરમાં પેટ્રોલ અને ડીઝલના વાહનોની માંગમાં સતત ઉછાળો જોવા મળી રહ્યો છે. બ્રિટનમાં વાયુ પ્રદૂષણને કાબુમાં લેવા માટે બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન આગામી સપ્તાહમાં મોટો નિર્ણય લેવા જઇ રહ્યા છે.

બ્રિટનના વડાપ્રધાન વાયુ પ્રદૂષણને અંકુશમાં લેવા માટે વર્ષ 2030થી જ પેટ્રોલ અને ડીઝલના વાહનોના વેચાણ પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લેવા જઇ રહ્યા છે. બ્રિટનની સરકાર આગામી સપ્તાહે આ નિર્ણયની જાહેરાત કરે તેવી સંભાવના છે.

હકીકતમાં, બ્રિટનની સરકારની પહેલા વર્ષ 2035થી પેટ્રોલ અને ડીઝલના વાહનોના વેચાણ પર પ્રતિબંધ લગાવવાની યોજના હતી, પરંતુ હવે બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોનસને નિર્ણયમાં ફેરફાર કરતા તેને 5 વર્ષ પહેલા એટલે કે વર્ષ 2030થી લાગુ કરવાનું નક્કી કરી લીધું છે.

આપને જણાવી દઇએ કે, બ્રિટન સૌથી પહેલા ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનને ઓછું કરવાના પ્રયાસ અંતર્ગત વર્ષ 2040થી નવી પેટ્રોલ અને ડીઝલ સંચાલિત કારોના વેચાણ પર પ્રતિબંધ લગાવવાની યોજના તૈયાર કરી હતી અને પછી ફેબ્રુઆરીમાં જોનસને તેને વર્ષ 2035માં તેને લાગુ કરવાનો નિર્ણય લીધો હતો. પરંતુ હવે વર્ષ 2030થી આ યોજના લાગુ કરવામાં આવશે.

રિપોર્ટ મુજબ, હાઈબ્રિડ કારો માટે આ સમયમર્યાદા 2035 સુધીની હોઈ શકે છે. એટલે કે, જો કારો ઈલેક્ટ્રિકની સાથે-સાથે અન્ય ઈંધણથી ચાલે છે, તેને 5 વર્ષની છૂટ મળી શકે છે. જો બ્રિટનની સરકાર વર્ષ 2030માં આ નિર્ણયને લાગુ કરે છે તો પછી બ્રિટનના ઓટોમેટિવ બજાર માટે મોટો ફેરફાર હશે. આ ફેરફારની વેચાણ પર અસર દેખાશે.

(સંકેત)