Site icon Revoi.in

G-7 દેશોની બેઠકમાં થઇ સમજૂતિ: હવે મલ્ટિનેશનલ કંપનીઓ પાસેથી 15 ટકા ટેક્સની કરાશે વસૂલાત

Social Share

નવી દિલ્હી: જી-7 દેશોના નાણા મંત્રીઓ વચ્ચે થયેલી બેઠકમાં એક ઐતિહાસિક સમજૂતિ થઇ હતી. આ સમજૂતિ અંતર્ગત મલ્ટિનેશનલ કંપનીઓ પાસેથી 15 ટકા કોર્પોરેટ ટેક્સ વસૂલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. એ સાથે જ વિશ્વના ટોચના પાંચ દેશો મલ્ટિનેશન કંપનીઓ પાસેથી નિયત ટેક્સની વસૂલાત કરશે.

પ્રાપ્ત જાણકારી અનુસાર, બ્રિટનમાં જી-7 દેશોના નાણામંત્રીઓ વચ્ચે બેઠક થઇ હતી. મલ્ટિનેશનલ કંપનીઓ પાસેથી નિયત ટેક્સ બાબતે ચાર વર્ષથી ચર્ચા થતી હતી. આખરે આ બેઠકમાં એ અંગેનો નિર્ણય લેવાયો હતો. આ બેઠકમાં મલ્ટિનેશન કંપનીઓ પાસેથી ઓછામાં ઓછા 15 ટકા ટેક્સ લેવાની સહમતી બની હતી.

આ નિર્ણયથી જી-7 દેશોને ટેક્સ પેટે કરોડો ડોલર મળશે. અમેરિકા, કેનેડા, ફ્રાન્સ, જર્મની, બ્રિટન, ઇટાલી, જાપાનના પ્રતિનિધિઓ વચ્ચે થયેલી આ સમજૂતિથી અન્ય દેશો પર પણ તેની અસર થશે. આ નિર્ણયની અસર એમેઝોન, ગૂગલ, ફેસબૂક જેવી કંપનીઓને પણ થશે.

બ્રિટિશ નાણામંત્રી ઋષિ સૂનકે કહ્યું હતું કે આ કરાર મલ્ટિનેશનલ કંપનીઓને વેપાર માટે સમાન તકો આપવાના સંદર્ભમાં છે. ટેક્સની નવી સિસ્ટમથી બધા જ દેશોની મલ્ટિનેશનલ કંપનીઓને એકસમાન તક મળશે. તેમણે કહ્યું હતું કે, યોગ્ય કંપનીઓ, યોગ્ય ટેક્સ, યોગ્ય સ્થળે આપે તે જરૃરી છે. ટેકનોલોજીની નવી કંપનીઓ માટે એક સિસ્ટમ બનાવવાના હેતુથી આ નવી ટેક્સ સિસ્ટમ અમલી બનાવાઈ રહી છે.

ગ્લોબલ ટેક્સમાં પરિવર્તન થાય તે ખૂબ જ આવશ્યક છે તેવું જી-7 દેશોના પ્રતિનિધિઓએ કહ્યું હતું. ડિજીટલ સમયમાં તેની પહેલ કરવામાં આવી છે અને તેની અસર અન્ય સંગઠનો પર પણ પડશે. આ ટેક્સ એટલા માટે પણ જરૂરી હતો કે મલ્ટિનેશનલ કંપનીઓ એવા દેશોમાં પોતાની ઓફિસ બનાવીને ત્યાં વધુ નફો બતાવતી હતી, જ્યાં ઓછે ટેક્સ વસૂલાતો હતો. પરિણામે બધા દેશોને ટેક્સની રકમ સરખી મળતી ન હતી.

કંપનીઓ તુલનાત્મક રીતે જ્યાં ઓછો ટેક્સ આપવો પડે ત્યાં વધારે નફો બતાવીને બચી જતી હતી, પરંતુ નવી સિસ્ટમ પ્રમાણે ઓછામાં ઓછો 15 ટકા ટેક્સ આપવાનો થશે એટલે દરેક સભ્ય દેશમાં સરખો ટેક્સ જ ચૂકવવાનો થશે.