- કોરોના વાયરસની મહામારી અને લોકડાઉનથી વૈશ્વિક અર્થતંત્રને ફટકો
- તેની સીધી પ્રતિકૂળ અસર વૈશ્વિક FDI મૂડીપ્રવાહ પર પણ જોવા મળી
- વૈશ્વિક સ્તરે FDIના મૂડીપ્રવાહમાં 50 % જેટલો ઘટાડો: UNCTAD
જીનીવા: કોરોના વાયરસની મહામારી અને તે ઉપરાંત લોકડાઉનથી વૈશ્વિક અર્થતંત્રને કમરતોડ ફટકો પડ્યો છે અને તેની સીધી પ્રતિકૂળ અસર વિદેશી મૂડીરોકાણ પર પણ પડી છે. પ્રવર્તમાન કેલેન્ડર વર્ષના પ્રથમ 6 મહિનામાં વૈશ્વિક FDIના મૂડીપ્રવાહમાં વાર્ષિક તુલનાએ 49 ટકાનો જંગી ઘટાડો થયો છે અને વર્ષ દરમિયાન FDIમાં 40 ટકાનો ઘટાડો આવી શકે છે જે એક ગંભીર આર્થિક મંદીથી પ્રેરિત છે.
એક અહેવાલ અનુસાર, યુનાઇટેડ નેશન્સ કોન્ફરન્સ ફોર ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ(UNCTAD)ની રિપોર્ટમાં જણાવાયું છે કે, યુરોપિયન અર્થતંત્રમાં FDIનો મૂડીપ્રવાહ પ્રથમવાર નકારાત્મક બન્યો છે, જે 200 અબજ ડોલરથી ઘટીને 7 અબજ ડોલર થયો છે, જ્યારે અમેરિકામાં FDIનો મૂડીપ્રવાહ 61 ટકાથી ઘટીને 51 અબજ ડોલર નોંધાયો છે.
આ પાછળનું કારણ એ છે કે મલ્ટિનેશનલ કંપનીઓ દ્વારા રોકડ બચાવવા માટે મૂડીરોકાણ મુલતવી રાખવા વૈશ્વિક FDIમાં ઘટાડો જોવા મળ્યો છે.
આ વર્ષના પ્રથમ ભાગમાં વૈશ્વિક એફડીઆઇનો પ્રવાહ લગભગ અડધો જેટલો ઘટી ગયો હતો જે સમગ્ર વર્ષની અપેક્ષા કરતાં વધુ નિરાશાજનક છે તેવું UNCTADના ઇન્વેસ્ટમેન્ટ અને એન્ટરપ્રાઇઝ ડિવિઝનના ડિરેક્ટર જેમ્સ ઝાને જણાવ્યું હતું.
એક અંદાજ મુજબ કોરોના મહામારીને કારણે ચાલુ વર્ષે વૈશ્વિક બજારમાં FDIનો મૂડીપ્રવાહ 30 થી 40 ટકા જેટલો ઘટી શકે છે જ્યારે વર્ષ 2021 દરમિયાન તેમાં 5 થી 10 ટકાની વૃદ્વિ જોવા મળી શકે છે.
રિપોર્ટ અનુસાર ઔદ્યોગિક દેશો જે સામાન્ય રીતે વૈશ્વિક વ્યવહારોમાં આશરે 80 ટકા હિસ્સો ધરાવે છે, તેમને સૌથી વધુ ફટકો પડ્યો છે, જેમનો પ્રવાહ 98 અબજ ડોલર સુધી પહોંચી ગયો છે. જે વર્ષ 1994 પછીની સૌથી નીચી સપાટી કહી શકાય.
(સંકેત)