- નવા વર્ષના પ્રારંભમાં જ ટેક્સાસમાં કુદરતી આપત્તિનો કહેર
- ટેક્સાસમાં ભારે બરફવર્ષાની શક્યતા
- ટેક્સાસમાં 12 થી 18 ઇંચ જેટલી બરફવર્ષા થવાની આગાહી
ઓસ્ટિન: અમેરિકામાં દર વર્ષે અનેક કુદરતી આપત્તિઓ આવતી રહેતી હોય છે ત્યારે હવે ટેક્સાસમાં ભારે બરફવર્ષાની શક્યતા છે. નેશનલ વેધર સર્વિસના અધિકારીઓએ ચેતવણી આપી છે કે ટેક્સાસમાં 12 થી 18 ઇંચ એટલે કે 1 ફૂટથી દોઢ ફૂટ સુધી બરફવર્ષા થઇ શકે છે. ભારે બરફવર્ષાની આગાહીને કારણે અનેક રસ્તાઓ બ્લોક થઇ શકે તેવી ભીતિ છે.
પ્રાપ્ત અહેવાલો અનુસાર, નેશનલ વેધર સર્વિસના ઓક્લાહોમા સેન્ટરે ટેક્સાસમાં ભારે બરફવર્ષાની શક્યતા વ્યક્ત કરી છે. દક્ષિણ-પશ્વિમ વિસ્તારોમાં તો બરફવર્ષા શરૂ થઇ ચૂકી હતી. એના પગલે આખા ટેક્સાસમાં ભારે બરફવર્ષા થશે. તે ઉપરાંત, 3 થી 5 ઇંચ સુધીના વરસાદની પણ આગાહી કરવામાં આવી છે.
શિયાળાની ઋતુની આ પ્રથમ ભારે બરફવર્ષા હશે. હવામાન વિભાગે ઘરની બહાર ના નીકળવાની સૂચના આપી છે. બરફવર્ષા ઉપરાંત વરસાદ અને તોફાની પવન ત્રાટકે તેવી પણ શક્યતા છે. ટેક્સાસ ઉપરાંત લુસિયાના, મિસિસીપીમાં પણ તોફાની બર્ફિલો પવન ફૂંકાય તેવી આગાહી કરવામાં આવી છે.
પેકોસ નદીના કાંઠા વિસ્તારમાં વરસાદી વાતાવરણ સર્જાયું હતું. આ કાંઠા વિસ્તારમાં બર્ફિલો પવન ફૂંકાયો હતો. મેક્સિકોની ખાડીમાં વાતાવરણ બદલાયું હોવાથી તોફાની પવન ફૂંકાશે. હવામાન વિભાગના અધિકારીએ કહ્યું હતું કે દક્ષિણ-પશ્વિમમાં ૧૭૯થી ૨૧૭ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાશે.
મહત્વનું છે કે, ટેક્સાસના ગવર્નરે વિવિધ એજન્સીઓની તાકીદની બેઠક બોલાવીને બચાવ કાર્ય માટે તૈયાર રહેવાની સૂચના આપી હતી. તે ઉપરાંત ગવર્નર ગ્રેગ એબોટ્ટે લોકોને અપીલ કરી હતી કે જરૂરી ચીજવસ્તુઓ મેળવી રાખવી અને શક્ય હોય તો ઘરમાં જ રહેવું.
(સંકેત)