નવી દિલ્હી: અમેરિકામાં એક અનોખી ઉજવણી થશે. અમેરિકાના ટેક્સાસ, ફ્લોરિડા, ન્યૂજર્સી, ઓહાયો અને મેસેચ્યુસેટ્સમાં હિંદુ હેરિટેજ મહિનાની ઉજવણી ઑક્ટોબર માસમાં થશે. ભારતમાં એ દિવસોમાં દિવાળીના તહેવારો ચાલતા હશે.
અમેરિકામાં રહેલા હિંદુ સમાજની પહેલથી ટેક્સાસ, ફ્લોરિડા, ન્યૂજર્સી, ઓહાયો, મેસેચ્યુસેટ્સ જેવા રાજ્યોમાં ઑક્ટોબર માસમાં હિંદુ હેરિટેજ મનૃથની ઉજવણી થશે. આ રાજ્યોની ગવર્નર ઓફિસોમાંથી પણ તે અંગેનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. ઑક્ટોબરનો આખો મહિનો હિંદુ હેરિટેજ તરીકે સેલિબ્રેટ કરવામાં આવશે.
એક સત્તાવાર નિવેદનમાં કહેવાયું હતું: હિન્દુ ધર્મનો ઈતિહાસ અદ્વિતીય છે. હિન્દુ ધર્મની ભવ્ય વિરાસતે અસંખ્ય લોકોના જીવનમાં સુધારણા અને પ્રેરણા આપી છે. અમેરિકામાં હિન્દુ ધર્મના લોકોનું બહુમૂલ્ય પ્રદાનને ધ્યાનમાં રાખીને આ જાહેરાત કરવામાં આવી છે.
આ જાહેરાત થઈ તે પાછળ ઘણાં હિન્દુ સંગઠનોની ભૂમિકા છે. હિન્દુ સમાજના લોકોએ રાજ્યોના ગવર્નર્સને તે અંગેની રજૂઆતો કરી હતી. ઘણાં લાંબાં સમયથી એવી રજૂઆત થતી હતી કે દિવાળી આસપાસના તહેવારોના સમયગાળામાં અમેરિકામાં હિન્દુ ધર્મના વિશેષ સેલિબ્રેશનને તક આપવામાં આવે. આખરે એ માગણીને ઘણાં રાજ્યોની સરકારોએ સ્વીકારી લીધી છે.
બાઇડન સરકારને પણ તે અંગે રજૂઆત કરવામાં આવી છે. બાઇડન રાષ્ટ્રવ્યાપી જાહેરાત કરે અને ઑક્ટોબરને હિંદુ હેરિટેજ માસ જાહેર કરે તે માટે પ્રયાસો શરૂ કરાયાં છે. વર્લ્ડ હિંદુ કાઉન્સિલ ઑફ અમેરિકા, હિંદુ સ્ટૂડન્ટ કાઉન્સિલ ઑફ અમેરિકા, ઉત્તર અમેરિકા હિંદુ સંગઠન, વિશ્વ હિંદુ પરિષદ જેવા સંગઠનોએ આ નિર્ણયને આવકાર્યો છે.
હિન્દુ આગેવાન સંજય કૌલે કહ્યું હતું કે 30 લાખ હિન્દુઓ અમેરિકામાં રહે છે. તેમનું પ્રદાન અમેરિકામાં ખૂબ જ મહત્વનું ગણાય છે. તેમની વિરાસતને યોગ્ય સમ્માન મળે તે જરૂરી છે.
રાજ્ય સરકારોની જેમ ફેડરલ ગવર્નમેન્ટ પણ આવી જાહેરાત કરે તે માટે પ્રયાસો થઈ રહ્યા છે. અમેરિકાના વિહિપ નેતા અજય શાહે કહ્યું હતું કે હિન્દુ ધર્મ વિશે લોકો બહુ જ ઓછું જાણે છે. સનાતન વૈદિક ધર્મ વિશે લોકો જાણતા થાય અને આપણી ફિલસૂફીથી તેમનો પરિચય થાય તે જરૂરી છે.