- સંયુક્ત રાષ્ટ્રના માનવીય અધિકાર વિભાગની પૂર્વાનુમાન
- આગામી વર્ષે દુનિયામાં ગરીબી-ભૂખમરાનું પ્રમાણ ચિંતાજનક રીતે વધશે
- વર્ષ 2021માં 40 ટકા લોકો ગરીબીની રેખા નીચે ધકેલાઇ જશે
જીનેવા: સંયુક્ત રાષ્ટ્રના માનવીય અધિકાર વિભાગ મુજબ કોરોના મહામારીને લીધે આગામી વર્ષે ગરીબીની રેખા નીચે જીવતા લોકોમાં ભારે ભરખમ વધારો થશે. આ વર્ષે જ વિશ્વ સ્તરે માનવીય મદદની જરૂરિયાત જે રીતે વધી છે એમાં આગામી વર્ષ 2021માં વિશ્વ સ્તરે 23.50 કરોડ લોકોને મદદની આવશ્યકતા રહે તેવું પૂર્વાનુમાન છે. સંસ્થાએ આ માટે કોરોના વાયરસ જેવી ઘાતક મહામારી, સંઘર્ષ, પ્રવાસીઓનો પડકાર અને ગ્લોબલ વોર્મિંગ જેવા પરિબળો જવાબદાર ગણાવ્યા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર, વિશ્વ સ્તરે માનવીય મુદ્દાઓના સમન્વય માટે સંયુક્ત રાષ્ટ્ર કાર્યાલયનું પૂર્વાનુમાન હતું કે આ વર્ષની સરખામણીએ વર્ષ 2021માં 40 ટકા લોકો ગરીબીની રેખા નીચે ધકેલાઇ જશે જેઓને ખરેખર માનવીય મદદની જરૂર પડશે. જો કે સંસ્થાના તાજેતરના રિપોર્ટ અનુસાર, આવા 16 કરોડ લોકોને મદદ માટે 35 અબજ ડોલરનો ખર્ચ થશે, પરંતુ આ વર્ષે હેતુસર આવેલું દાન 17 અબજ ડોલર પૂરતું સીમિત છે.
સંયુક્ત રાષ્ટ્ર માનવીય મુદ્દાઓના પ્રમુખ માર્ક લોકોક એ કહ્યુ હતું કે આ વર્ષે માનવીય મદદની જરુરિયાચના પૂર્વાનુમાન સૌથી નિરાશાજનક અને અંધકારમય હતા કારણ કે વૈશ્વિક મહામારીએ દુનિયાના સૌથી નબળા દેશોને સૌથી વધુ નુકસાન પહોંચાડ્યુ છે. તેમના મુજબ 1990 પછી પહેલી વાર ગરીબી પ્રમાણમાં આટલો મોટો વધારો આવી રહ્યો છે. જેમાં સરેરાંશ જીવન ઘટશે તથા બીમારીઓથી મરનારાઓનો આંકડો પણ વધશે. આ સિવાય ભૂખમરો પણ તેની ચરમસીમાએ પહોંચશે.
નોંધનીય છે કે આ પ્રકારની ગરીબી રેખાની નીચે ધકેલાઇ જતા દેશોની વસતીમાં યમન દેશ સૌથી ખરાબ સ્થિતિમાં છે, તેની સાથે સીરિયા પણ ગંભીર પડકારો ઝીલી રહ્યું છે. આ સિવાય અફઘાનિસ્તાન, કોંગો, હેઇતી, નાઇઝિરીયા, દક્ષિણ સૂદાન, યૂક્રેન અને વેનેઝુએલે જેવા દેશોમાં પણ ગરીબી અને ભૂખમરો કોહરામ મચાવશે.
(સંકેત)