- અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં રવિવારે હાન્ના ચક્રવાત ત્રાટકવાની ભીતિ
- ચક્રવાત હાન્ના વધુ શક્તિશાળી બનીને કેરેબિયન સમુદ્રતટ પહોંચ્યું
- ચક્રવાતને પગલે પવનની ઝડપ 100 કિ.મી પ્રતિ કલાકની રહેશે
અમેરિકા વારંવાર કોઇને કોઇ કુદરતી આપત્તી સામે લડતું હોય છે અને ત્યાં વારંવાર ચક્રવાતો આવતા હોય છે ત્યારે હવે ફરી અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં રવિવારે હાન્ના ચક્રવાત ત્રાટકે તેવી ભીતિ જણાઇ રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ ચક્રવાત હાન્ના વધુ શક્તિશાળુ બન્યું છે અને તે કેરેબિયન સમુદ્રતટે પહોંચ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, હાલ હાન્ના ચક્રવાત ટેક્સાસના પૂર્વ-દક્ષિણ પૂર્વ બાજુએ આવેલા કોર્પ્સ ક્રિસ્ટીથી 270 કિલોમીટરના અંતરે છે. હાન્ના ચક્રવાત 13લ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે અને પવનની ઝડપ 100 કિ.મી રહેવાનો અંદાજ છે. પોર્ટ મેન્સફીલ્ડથી મેસ્ક્યુઇટ બે સુધી ચક્રવાતને લઇને ચેતવણી જાહેર કરાઇ છે.
બીજી તરફ હાન્ના ચક્રવાતને લઇને રવિવાર સુધીમાં 5 થી 10 ઇંચ સુધી વરસાદ ત્રાટકવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે. કેટલાક વિસ્તારોમાં 15 ઇંચ સુધી ભારે વરસાદના પણ એંધાણ છે. ખાસ કરીને દરિયાકાંઠા અને નીચાણવાળા વિસ્તારોમાં ચક્રવાતથી નુકસાન થવાની સંભાવના હવામાન નિષ્ણાતોએ વ્યક્ત કરી છે.
ચક્રવાતની આગાહીને કારણે કોર્પસ ખાતે લોકો જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવા માટે શોપિંગ મોલ્સમાં પહોંચ્યા હતા. જેને પગલે શોપિંગ મોલમાં લાંબી કતારો જોવા મળી હતી.
(સંકેત)