Site icon Revoi.in

ઇમરાન ખાને કાશ્મીર રાગ ફરી આલાપ્યો, કહ્યું આ શરત સાથે ભારત સાથે વાત કરવા તૈયાર

Social Share

નવી દિલ્હી: પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાને ફરીથી કાશ્મીરનો રાગ આલાપ્યો છે. પાક. પીએમ ઇમરાન ખાને કેટલીક શરતોને આધિન ભારત સાથે વાત કરવાની તૈયારી દર્શાવી છે. પીએમ ઇમરાન ખાને કહ્યું છે કે, જો ભારત જમ્મૂ-કાશ્મીરનો પાંચ ઑગસ્ટ 2019થી પહેલાનો દરજ્જો આપે તો પાકિસ્તાન વાતચીત કરવા માટે તૈયાર છે.

ઇમરાન ખાન અનુસાર, પાકિસ્તાન ભારત સાથેના સંબંધો સુધારે છે તો કાશ્મીરીઓથી મોઢું ફેરવવા જેવું ગણાશે. પરંતુ ભારત પાંચ ઑગસ્ટે લીધેલા નિર્ણયને રદ્દ કરે અને કાશ્મીરનો વિશેષ દરજ્જો આપે તો પાકિસ્તાન ચોક્કસપણે વાતચીત કરવા તૈયાર થશે.

જોકે ભારત વિશ્વસ્તરે સ્પષ્ટ રીતે કહી ચૂક્યુ છે કે, જમ્મુ-કાશ્મીર ભારતનો અભિન્ન અંગ છે અને આ મુદ્દો ભારતનો આંતરિક મુદ્દો છે. ભારત આ મુદ્દાને જાતે જ ઉકેલવા માટે સક્ષમ છે. ભારતે પાકિસ્તાનને કહ્યુ હતું કે તેની ઇચ્છા પડોસી દેશથી આતંકવાદ, દુશ્મની અને હિંસાથી મુક્ત સામાન્ય સંબંધ રાખવાની છે અને આ પાકિસ્તાનની જવાબદારી છે કે આતંકવાદ અને હિંસાનો માહોલને ખતમ કરે.

ઉલ્લેખનીય છે કે, ભારતે 5 ઓગસ્ટ, 2019ના રોજ ઐતિહાસિક નિર્ણય લેતાં જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતાં બંધારણીય આર્ટિકલ 370ને હટાવી દીધી હતી અને રાજ્યને જમ્મુ-કાશ્મીર અને લદાખ એમ બે કેન્દ્રશાસિત પ્રદેશમાં વહેંચ્યું હતું.