- આ દેશમાં કોરોનાની રસી નહીં લો તો તમારું સીમકાર્ડ બ્લોક કરી દેવાશે
- પાકિસ્તાનમાં જો કોઇ નાગરિક રસી નહીં લે તો તેનું સીમકાર્ડ બ્લોક કરી દેવાશે
- પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો
નવી દિલ્હી: કોરોના સામેની જંગ જીતવા માટે હાલમાં રસી જ એક અસરકારક હથિયાર છે. વિશ્વના મોટા ભાગના દેશોમાં સરકાર નિ:શુલ્ક રસી આપી રહી હોવા છતાં પણ લોકો ડરથી અથવા તો રસીથી થનારી આડઅસરને લઇને કેટલીક ગેરમાન્યતાને કારણે પણ રસી લેવાનું ટાળે છે. ત્યારે હવે લોકો રસી લે એ માટે અનેક દેશોમાં અલગ અલગ રણનીતિ અપનાવાઇ રહી છે. એક દેશ એવો છે જ્યાં લોકો કોરોના રસી ના લે તો તેઓના સીમકાર્ડ બ્લોક કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ હકીકત છે. જો તમે કોરોનાની રસી નહીં લો તો તમારા મોબાઇલનું સીમકાર્ડ પણ બ્લોક કરી દેવાશે. આ નિર્ણય લેવાયો છે પણ ભારતમાં નહીં પણ પાકિસ્તાનમાં. પાકિસ્તાનના પંજાબ પ્રાંતના આરોગ્ય પ્રધાન યાસ્મીન રશીદની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં, એવો નિર્ણય લેવાયો છે કે, જો કોઇ નાગરિક રસી નહીં લે તો તેનું સીમકાર્ડ બ્લોક કરી દેવામાં આવશે.
આગામી શનિવારથી એટલે કે 12 જૂનથી પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં 18 વર્ષથી મોટી ઉંમરના લોકોને રસી આપવાનું શરૂ કરવામાં આવનાર છે. તેના માટે વિવિધ કેન્દ્રો ઉપરાંત વોક ઇન વેક્સિન સેન્ટર પણ બનાવ્યા છે. પાકિસ્તાન ડિસેમ્બર સુધીમાં 70 કરોડ લોકોને રસી આપવાનો લક્ષ્યાંક ધરાવે છે.
આ ઉપરાંત પાકિસ્તાન સરકારે એ નિર્ણય પણ લીધો છે કે, પ્રાંતિય સરકારોએ દરેક ધાર્મિક સ્થળની બહાર મોબાઇલ રસીકરણ કેન્દ્ર સ્થાપવા અને કેન્સર, એઇડ્સ સહિતની બીમારીથી પીડિતોને રસીમાં પ્રાથમિક્તા આપવી.