Site icon Revoi.in

દેવાગ્રસ્ત પાકિસ્તાનની હાલત કફોડી થઇ, હવે ઇસ્લામાબાદનું સૌથી મોટું પાર્ક ગીરવે મૂકવા કાઢ્યું

Social Share

ઇસ્લામાબાદ: દેવાગ્રસ્ત પાકિસ્તાની હાલત દિવસે દિવસે વધુ કફોડી બની રહી છે અને હાલમાં કંગાળ પાકિસ્તાન પાસે કોરોનાની રસી ખરીદવા માટે પણ પૈસા બચ્યા નથી. આ વાતનો ખુલાસો ખુદ પાક.ના વડાપ્રધાન ઇમરાન ખાને કર્યો હતો. ઇમરાન ખાને કહ્યું હતું કે હાલ પાકિસ્તાનની સ્થિતિ એવી છે કે તે વધુ પૈસા લોન પેટે લઇ શકે તેમ નથી.

પ્રાપ્ત વિગતો અનુસાર આ દેવામાંથી બહાર આવવા માટે હવે ઇસ્લામાબાદના સૌથી મોટા પાર્કને મોર્ગેજ કરવાની તૈયારી સરકાર કરી રહી છે. જેની મદદથી પાકિસ્તાન વધુ કેટલીક લોન લેવાની તૈયારી કરી રહ્યું છે.

પાકિસ્તાનના અખબાર ડોનના હવાલાથી માલુમ પડ્યું છે કે એફ-9 નામના ઇસ્લામાબાદ સ્થિત સૌથી મોટા પાર્કને પાકિસ્તાન ગીરવે મુકવા માટે તૈયાર થઇ ગયું છે. જેના બદલામાં તેને 500 બિલિયન ડોલરની લોન મળવાની આશા છે. આટલી રકમથી પાકિસ્તાન અગાઉનું જે દેવું છે તેમાંથી બહાર નીકળવાના પ્રયાસો કરશે તેમજ નબળા અર્થતંત્રમાં પ્રાણ ફૂંકવા માટે પ્રયાસ કરશે.

પાક.ના પીએમ ઇમરાન ખાનની અધ્યક્ષતામાં એક બેઠક યોજાવા જઇ રહી છે જેમાં આ પાર્કને ગીરવે મુકવા માટેનો નિર્ણય લેવામાં આવશે. ઇસ્લામાબાદમાં આવેલા એફ-9 પાર્કને ફાતિમા જિન્નાહ નામ આપવામાં આવ્યું છે અને તેની જમીનનો વિસ્તાર આશરે 759 એકર માનવામાં આવે છે. આ પાર્કમાં એટલી હરિયાળી છે કે તેને પાકિસ્તાનનો સૌથી વિશાળ હરિયાળી ધરાવતો વિસ્તાર પણ માનવામાં આવે છે.

નોંધનીય છે કે હવે આ પાર્કને હવે ગીરવે મુકવામાં આવશે જેનો ઉપયોગ કોઇપણ દેશ કે ઉદ્યોગ પોતાની મરજીથી કરી શકશે. આ નિર્ણય પાકિસ્તાનના નબળા અર્થતંત્ર તેમજ લોનના દેવામાંથી બહાર આવવા માટે લેવાયો હોવાનો પાક.ના અખબાર ડોનમાં દાવો કરાયો છે.

(સંકેત)