ગુડ ન્યૂઝ! Pfizerની કોરોના વેક્સીન ટ્રાયલમાં 90% અસરકારક, ટૂંકમાં મળી શકે છે વેચાણની મંજૂરી
- કોરોના મહામારીને નાથવાને લઇને વિશ્વ માટે સકારાત્મક સમાચાર
- ફાઇઝરની કોરોના વેક્સીન ક્લિનિકલ ટ્રાયલમાં 90 ટકા અસરકારક સાબિત થઇ
- બધુ બરાબર રહ્યું તો આ મહિનાના અંત સુધીમાં કંપનીને વેક્સિનના વેચાણ માટે મંજૂરી મળી શકે
વોશિંગ્ટન: કોરોના મહામારી વચ્ચે વિશ્વ માટે એક સકારાત્મક સમાચાર મળી રહ્યા છે. ફાર્મા કંપની Pfizerની કોરોના વેક્સીન તાજેતરના ક્લિનિકલ ટ્રાયલમાં 90 ટકા અસરકારક સાબિત થઇ છે. જેનાથી લોકોમાં આશાનો સંચાર થયો છે. એટલું જ નહીં જો બધુ બરાબર રહ્યું તો આ મહિનાના અંત સુધીમાં કંપનીને વેક્સીન વેચવાની મંજૂરી મળી શકે છે. વૈશ્વિક મહામારીને નાથવા માટે આ ખૂબ જ મહત્વના સમાચાર કહી શકાય. આપને જણાવી દઇએ Pfizerએ પોતાના પાર્ટનર બાયોટેકની સાથે મળીને કોરોના વેક્સીન બનાવી છે. Pfizer અમેરિકન અને BioNTech જર્મન સ્થિત ફાર્મા કંપની છે.
કંપનીએ ક્લિનિકલ ટ્રાયલ અંગે જણાવ્યું હતું કે, તેની વેક્સીન ટ્રાયલ દરમિયાન 94 સંક્રમિતોમાંથી 90 ટકા પર અસરકારક સાબિત થઇ છે. આ સંક્રમિતોમાં કોવિડ-19ના ઓછામાં ઓછા એક લક્ષણ જરૂરી હતું. વેક્સિન હજુ ટ્રાયલના તબક્કામા છે પરંતુ જલ્દી વિશ્વને વેક્સીન મળે તેવી દરેક લોકો આશા સેવી રહ્યા છે.
અમેરિકા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ તેને મોટા સમાચાર ગણાવ્યા છે. તેમણે આ અંગે ટ્વીટ કરી હતી કે વેક્સિન જલ્દી આવી શકે છે. તે 90 ટકા અસરકારક સાબિત થઇ છે.
કંપનીએ વધુમાં ઉમેર્યું હતું કે, વિશ્લેષણ અનુસાર જે વોલેન્ટિયર પર તેનું પરીક્ષણ કરવામાં આવ્યું, તેમાં તે બીમારીને રોકવામાં 90 ટકાથી વધુ સફળ રહી હતી. જો બાકીના જેટા પણ એવા સંકેત આપે છે કે વેક્સિન સેફ છે તો આ મહિનાના અંત સુધીમાં કંપની હેલ્થ રેગ્યુલેટર્સ પાસે વેક્સિનના વેચાણ માટે મંજૂરી માટે અરજી કરી શકે છે.
નોંધનીય છે કે પરિણામ સંપૂર્ણપણે વિશ્વસનીય રહે અને પ્રક્રિયા પારદર્શી રહે તે માટે કંપનીએ બહારના અન્ય વ્યક્તિગત નિષ્ણાંતોની પેનલ પાસે વેક્સિન ટ્રાયલનું રિવ્યૂ કરાવ્યું છે. પેનલે ડેટા સેફ્ટી મોનિટરિંગ કમિટીના નામથી ઓળખવામાં આવે છે જે પહેલે તે જાણકારી મેળવે છે કે વેક્સિન કેન્ડિડેટ કેટલી ઉપયોગી અને સુરક્ષિત છે.
(સંકેત)