- ભારત અને ચીન વચ્ચે સરહદ પર વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો
- ચીનના રાષ્ટ્રપતિ શિ જિનપિંગે પોતાના દેશની સેનાને યુદ્વ માટે તૈયાર રહેવા કહ્યું
- ભારત-ચીન વચ્ચે 7માં ચરણની મંત્રણા બાદ આ નિવેદન આવ્યું સામે
બેઇજીંગ: ભારત અને ચીનની વચ્ચે સરહદ વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. જૂનમાં ગલવાન ઘાટીમાં બંને દેશોના સૈનિકો વચ્ચે થયેલા હિંસક ઘર્ષણ બાદ ભારતે ચીન પ્રત્યે દરેક રીતે આકરું વલણ અપનાવ્યું છે. હવે એવા અહેવાલ પ્રાપ્ત થઇ રહ્યા છે કે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે એ પોતાની દેશની સેનાને યુદ્વ માટે તૈયાર રહેવા કહ્યું છે.
એક રિપોર્ટ અનુસાર એક મિલિટ્રી બેઝ પર પ્રવાસ દરમિયાન ચીનના રાષ્ટ્રપ્રમુખે સૈનિકોને કહ્યું છે કે પોતાનું મગજ અને ઉર્જા યુદ્વની તૈયારીમાં લગાવો.
શી જિનપિંગે સૈનિકોને અલર્ટ મોડમાં રહેવા કહ્યું છે. તે ઉપરાંત તેઓએ સૈનિકોને પૂરી રીતે ભરોસાપાત્ર રહેવાની પણ તાકીદ કરી છે. આ સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે ભારત અને ચીનના સૈન્ય અધિકારીઓ વચ્ચે સાતમાં ચરણની મંત્રણા સમાપ્ત થઇ છે. બંને દેશો તરફથી જાહેર કરવામાં આવેલી સંયુક્ત પ્રેસ બ્રિફિંગમાં કહેવામાં આવ્યું છે કે બંને વાતચીતથી સરહદ વિવાદ ઉકેલવાના પક્ષમાં છે. સાથોસાથ બંને દેશોએ એવું પણ કહ્યું છે કે વિવાદ ઉકેલવા માટે વાતચીત સતત ચાલુ રહેશે.
ઉલ્લેખનીય છે કે, બંને દેશોની વચ્ચે સરહદ પર સ્થિતિ 1962ના યુદ્ધ બાદ સૌથી ખરાબ સ્થિતિમાં છે. વિદેશ મંત્રી એસ. જયશંકરે પણ આ વાત કહી ચૂક્યા છે. જોકે, ભારત તરફથી ચીનને સ્પષ્ટ કહેવામાં આવી ચૂક્યું છે કે સરહદ પર અશાંતિની સાથે બંને દેશોની વચ્ચે સંબંધ સામાન્ય ન થઈ શકે.
(સંકેત)