- ભારતમાં કોરોનાની બીજી લહેરના પ્રસારનું અમેરિકાના ડૉ. ફોસીએ આપ્યું કારણ
- ભારતે કોરોના ખતમ થઇ ગયો હોવાનું માનીને વહેલા અનલોક શરૂ કરી દીધું
- આ જ કારણોસર અત્યારે ભારત કોરોનાની બીજી લહેરથી પ્રભાવિત છે
નવી દિલ્હી: અમેરિકાના ટોચના ડોકટર અને વ્હાઈટ હાઉસના મેડિકલ એડવાઈસર ડો.એન્થની ફોસીએ અમેરિકાના સાંસદો સાથે એક બેઠક યોજી હતી.
ભારતમાં કોરોના વાયરસની બીજી ઘાતક પાછળનું કારણ જણાવતા અમેરિકાના ટોચના ડોક્ટર અને વ્હાઇટ હાઉસના મેડિકલ સલાહકાર ડૉ. એન્થની ફોસીએ જણાવ્યું હતું કે, ભારતે કોરોના મહામારી ખતમ થઇ ગઇ હોવાનું ખોટું અનુમાન લગાવ્યું હતું. દેશને સમય પહેલા જ અનલોક કરી દીધો હતો. આ જ કારણોસર, અત્યારે ભારતની સ્થિતિ કથળી છે.
પ્રાપ્ત અહેવાલ પ્રમાણે, અમેરિકાના સાંસદો સાથે યોજાયેલી એક બેઠક દરમિયાન ડૉ. ફોસીએ કહ્યું હતું કે, કોરોનાની બીજી લહેરથી ભારત પ્રભાવિત છે. દેશના સંખ્યાબંધ રાજ્યો હાલમાં ઓક્સિજન, વેન્ટિલેટર, દવાઓ તેમજ બેડની અછત સામે ઝઝુમી રહ્યા છે.
કોરોના મહામારીના સંદર્ભે યોજાયેલી બેઠકમાં ડૉ. ફોસીએ કહ્યું હતું કે, ભારતે પૂર્વધારણા બાંધી લીધી હતી કે ભારતમાં કોરોના સંક્રમણ પૂર્ણ થઇ ગયું છે. સમય પહેલા જ ભારતમાં અનલોક થવા માંડ્યું હતું અને તેના કારણે જ ભારતમાં બીજી લહેરે પગપેસારો કર્યો અને સંક્રમણ સ્ફોટક ગતિએ પ્રસર્યું. હાલમાં તે ખતરનાક સાબિત થઇ રહ્યું છે.
અમેરિકાના અન્ય એક સેનેટર પૈટી મુરેએ કહ્યું હતું કે, જ્યાં સુધી અમેરિકામાં આ મહામારી પૂર્ણ નહીં થાય ત્યાં સુધી બીજે પણ ખતમ નથી થવાની. ભારતમાં કોરોના સંક્રમણની સ્થિતિ ચિંતાજનક કહી શકાય. ભારતની સ્થિતિમાંથી અમેરિકાએ એ બોધપાઠ લેવો આવશ્યક છે કે મજબૂત સ્વાસ્થ્ય પ્રણાલી ખૂબ જ અનિવાર્ય છે.
(સંકેત)