- અફઘાનિસ્તાનમાં સતત વધતુ તાલિબાનનું વર્ચસ્વ
- અનેક શહેરોમાં ભારતીયો ફસાયા
- હવે ભારત તેના નાગરિકોને ત્યાંથી બહાર કાઢશે
નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાંથી અમેરિકન સૈન્યની વાપસી બાદ તાલિબાનોનું જોર સતત વધી રહ્યું છે અને ફરીથી તેઓનું વર્ચસ્વ અનેક વિસ્તારોમાં વધ્યું છે. તાલિબાની આતંકીઓએ અનેક વિસ્તારો કબ્જે કર્યા છે. ભારત સહિત ઘણા દેશો હાલમાં અફઘાનિસ્તાનની દહેશતભરી સ્થિતિથી ચિંતિત છે. અફઘાનિસ્તાનના ઘણા શહેરોમાં ભારતીય નાગરિક રહે છે. તેથી હવે ભારતીય નાગરિકોની સલામતી અને સુરક્ષા માટે ભારત સરકારે મહત્વનો નિર્ણય લીધો છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અફઘાનિસ્તાનમાં તાલિબાનોના વધતા ખોફ અને વર્ચસ્વને ધ્યાનમાં રાખતા ભારત તેના અધિકારીઓ અને નાગરિકોને બહાર કાઢવાની તૈયારી કરી રહ્યું છે. એક ઉચ્ચ અધિકારી અનુસાર અફઘાનિસ્તાનના કાબુલ, કંદહાર અને મઝાર-એ-શરીફ શહેરોમાં રહેતા આપણા કર્મચારીઓ અને અન્ય કર્મચારીઓને બહાર કાઢવાની યોજના પર કામ કરવામાં આવી રહ્યું છે.
અફઘાનિસ્તાનનાં શહેરો અને અંતરિયાળ વિસ્તારોમાં સુરક્ષાની સ્થિતિને જોતા, ઘણા દેશો દૂતાવાસો અને કોન્સ્યુલેટ ચલાવવામાં અસમર્થ બની રહ્યા છે. સૂત્રોએ જણાવ્યું કે તાલિબાનના હુમલાના ડરથી અફઘાન અધિકારીઓએ જ તેમની સરકારના નિયંત્રણ હેઠળના વિસ્તારોમાથી ભાગવાનું શરૂ કર્યું છે.