Site icon Revoi.in

ભારતીય રાજદૂત અને તાલિબાન વચ્ચે કતારમાં યોજાઇ પહેલી બેઠક, આ મુદ્દે થઇ ચર્ચા

Social Share

નવી દિલ્હી: અફઘાનિસ્તાન પર તાલિબાનની હકૂમત વચ્ચે કતારમાં ભારત અને તાલિબાન વચ્ચે પહેલી વખત ઔપચારિક બેઠક યોજાઇ છે.

વિદેશ મંત્રાલય અનુસાર કતારમાં ભારતીય રાજદૂત દીપક મિત્તલે તાલિબાન નેતા શેર મહોમ્મદ અબ્બાસ સ્ટાનેકજાઇ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત માટે તાલિબાની નેતા દ્વારા જ અનુરોધ કરવામાં આવ્યો હતો. સ્ટાનેકજાઇ વર્તમાન સમયમાં કતારમાં તાલિબાનના પ્રતિનિધિ તરીકે કામગીરી સંભાળી રહ્યા છે.

વિદેશ મંત્રાલય અનુસાર તાલિબાન નેતા તેમજ ભારતીય રાજદૂત વચ્ચે અફઘાનિસ્તાનમાં હાલમાં ફસાયેલા ભારતના નાગરિકોની સુરક્ષા તેમજ તેમના જલ્દી ભારત પાછા ફરવા અંગે ચર્ચા થઇ હતી. જે અફઘાન નાગરિકો અને ખાસ કરીને હિંદુ તેમજ શીખો ભારત પાછા આવવા માંગે છે તેમને લઇને પણ ભારતે વાત કરી હતી.

આ સિવાય ભારતીય રાજદૂતે અફઘાનિસ્તાનની જમીનનો ઉપયોગ ભારત સામે આતંકવાદ ફેલાવવા માટે થઈ શકે છે તેવી ચિંતા વ્યક્ત કરી હતી પણ તાલિબાન નેતાએ આ મુદ્દે સકારાત્મક વલણ અપનાવવાનુ આશ્વાસન આપ્યુ હતુ.

તાલિબાન નેતા સ્ટાનકજાઈ આ પહેલા ઈન્ડિયન મિલિટરી એકેડમીમાં તાલીમ લઈ ચૂક્યા છે અને તેમને બીજા કેડેટસ શેરુ કહીને બોલાવતા હતા.