- વિશ્વએ ફરી એક વખત ભારતીય સંસ્કૃતિની લીધી નોંધ
- ન્યૂઝીલેન્ડમાં ભારતીય મૂળના સાંસદ ડૉ.ગૌરવ શર્માએ ઇતિહાસ રચ્યો
- તેઓએ ન્યૂઝીલેન્ડની સંસદના સભ્ય તરીકે સંસ્કૃતમાં શપથ ગ્રહણ કર્યા
વેલિંગટન: ભારતીય સંસ્કૃતિની ફરી એક વખત વિશ્વ ફલક પર નોંધ લેવાઇ છે. ન્યૂઝીલેન્ડની ચૂંટણીમાં વડાપ્રધાન જેસિન્ડા આર્ડર્નની પાર્ટીએ ભારે બહુમત હાંસલ કરી બધા રેકોર્ડ તોડી દીધા હતા. તો હવે ભારતીય મૂળના ડૉ.ગૌરવ શર્માએ દેશની સંસદના સભ્ય તરીકે શપથ લીધા અને આ દરમિયાન તેમણે ઇતિહાસ રચ્યો છે. હમીરપુરના ડૉક્ટર શર્માએ સંસ્કૃતમાં શપથ લીધા હતા. તેઓ વિશ્વના બીજા નેતા છે, જેમણે વિદેશની ધરતી પર સંસ્કૃતમાં શપથ લીધા છે.
જુઓ શપથ ગ્રહણનો વીડિયો
History Made: New Zealand Member of Parliament (MP) Dr Gaurav Sharma @gmsharmanz takes oath in Sanskrit. Sharma hails from India's Himachal Pradesh. pic.twitter.com/a4qnGw4WBf
— Sidhant Sibal (@sidhant) November 25, 2020
પ્રાપ્ત વિગતો અનુસાર, લેબર પાર્ટીના શર્માએ નેશનલ પાર્ટીના ટિમ મસિન્ડોને 4386 મતે હરાવ્યા હતા. આ પહેલા તેઓ વર્ષ 2017માં ચૂંટણીમાં ઉતર્યા હતા. તેઓ કહે છે કે લોકોનું પ્રતિનિધિત્વ કરવા પર તેઓ ખુદને ભાગ્યશાળી માને છે. રાજનીતિમાં રૂચિને કારણે શર્મા વર્ષ 2014માં વોલેન્ટિયર તરીકે પાર્ટીમાં જોડાયા હતા.
તેમણે કહ્યું હતું કે, ભારતીય સમુદાયના લોકો રાજનીતિમાં ખૂબ જ રસ દાખવે છે. તેમને ચૂંટણીમાં મળેલી પ્રતિક્રિયાને લઇને કહ્યું કે, કેટલાક લોકો નારાજ થાય છે પરંતુ તેમને ખૂબ સમર્થન પ્રાપ્ત થયું છું. રંગભેદ દરેક જગ્યાએ છે અને તેના પર પ્રકાશ પાડવો જરૂરી છે કે લોકો તેને સહન કરવા ઇચ્છતા નથી.
તેમના માતા-પિતા વિશે
શર્માના માતા પિતા વિશે વાત કરીએ તો તેમના પિતા ગિરધર શર્મા રાજ્ય વીજ વિભાગમાં કાર્યકારી ઇજનેર અને માતા પૂર્ણિમા શર્મા ગૃહિણી છે. તેમણે હમીરપુરમાં ચોથા ધોરણ સુધી અભ્યાસ કર્યો અને સાતમાં ધોરણ સુધી ધર્મશાળામાં હતા. ત્યારબાદ તેમના પિતા પરિવારની સાથે ન્યૂઝીલેન્ડમાં સ્થાયી થયા હતા.
(સંકેત)