- શ્રીલંકામાં મોંઘવારી બેકાબૂ
- 1 કિલો મરચાંના 700 રૂપિયા
- 200 રૂપિયાના 1 કિલો બટાકા
નવી દિલ્હી: ભારતનો પાડોશી દેશ શ્રીલંકા સતત દેવાના બોજ હેઠળ દબાઇ ગયો છે અને હવે તે દેવાળું ફૂંકવાના આરે છે. ખાદ્યપદાર્થોની કિંમત આસમાને છે. મોંઘવારીએ લોકોની કમર તોડી નાંખી છે. શ્રીલંકાની એક સંસ્થાએ મોંઘવારીને લઇને કેટલાક આંકડા જાહેર કર્યા છે. તેમાં માહિતી અપાઇ છે કે શ્રીલંકામાં ખાદ્યપદાર્થોની કિંમત એક મહિનામાં જ 15 ટકા વધી છે. શાકભાજીના કિંમતમાં ખૂબ જ વધારાથી ખાવાની વસ્તુઓ પણ મોંઘી બની છે.
નવેમ્બર 2021 થી ડિસેમ્બર 2021 દરમિયાન ખાદ્ય વસ્તુઓની મોંઘવારી 15 ટકા વધી છે. તેનું મુખ્ય કારણ શાકભાજીના ભાવમાં વધારો છે. શ્રીલંકામાં 100 ગ્રામ મરચાંની કિંમત જ્યાં 18 રૂપિયા હતી, હવે તે વધીને 71 રૂપિયા થઇ ગઇ છે. એટલે કે એક કિલો મરચાંની કિંમત 710 રૂપિયા થઇ ગઇ છે. એક જ મહિનામાં મરચાંની કિંમત 287 ટકાનો વધારો થયો છે. આજ રીતે રીંગણની કિંમતમાં 51 ટકા, લાલ ડુંગળીની કિંમતમાં 40 ટકા અને બીન્સ, ટામેટાની કિંમતમાં 10 ટકાનો વધારો થયો છે. બટાકાની વેચાણ કિંમત પણ 200 રૂપિયા થઇ ચૂકી છે.
વર્ષ 2019 પછીની વાત કરીએ તો કિંમતમાં બે ગણો જેટલો વધારો જોવા મળી રહ્યો છે. ડિસેમ્બર 2020ની તુલનામાં 37 ટકાનો વધારો થયો છે. તેનો અર્થ એ છે કે ચાર લોકોના સરેરાશ પરિવાર માટે ડિસેમ્બર 2020માં ખાદ્યપદાર્થો પર સાપ્તાહિક રીતે 1165 રૂપિયા ખર્ચ કર્યા હતા. અત્યારે આ જ સામાન માટે 1593 રૂપિયાની ચૂકવણી પડી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ખાદ્યપદાર્થોની આસમાને આંબેલી કિંમતો બાદ રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેએ દેશમાં આર્થિક કટોકટી જાહેર કરી છે. તે અંતર્ગત સેનાને અધિકાર આપવામાં આવ્યો છે કે તે સુનિશ્વિત કરે કે ખાવા-પીવાનો સામાન સામાન્ય પ્રજાને એ કિંમતે મળે જે સરકારે નિર્ધારિત કરી છે. કોવિડ મહામારી, સરકારી ખર્ચમાં વધારો, ટેક્સમાં ઘટાડા જેવા કારણોસર શ્રીલંકામાં મોંઘવારીએ માઝા મૂકી છે.