- ભારત બાદ હવે ઇરાને પણ પાકિસ્તાનમાં સર્જિકલ સ્ટ્રાઇક કરી
- ઇરાને પાકિસ્તાનમાં ઘૂસીને તેના બે સૈનિકોને મુક્ત કરાવ્યા
- ઇરાનના રેવોલ્યૂશનરી ગાર્ડે આ ઓપરેશન સફળ રીતે પાર પાડ્યું
તેહરાન: ભારત બાદ હવે ઇરાને પણ પાકિસ્તાનમાં સર્જિકલ સ્ટ્રાઇક કરી છે. અહેવાલ અનુસાર ઇરાનના રેવોલ્યૂશનરી ગાર્ડએ પાકિસ્તાનમાં ઘૂસીને પોતાના બે સૈનિકોને મુક્ત કરાવી લીધા છે. આ સૈનિક 2018માં કિડનેપ કરવામાં આવેલા 12 સૈનિકોમાં સામેલ હતા. પાકિસ્તાનની અંદર ઇન્ટેલિજન્સ જાણકારીના આધાર પર આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું.
દક્ષિણ-પૂર્વ ઇરાનમાં IRGC ગ્રાઉન્ડ ફોર્સ તરફથી નિવેદન જાહેર કરવામાં આવ્યું છે કે, આતંકી સંગઠન જૈશ-ઉલ-અદલ તરફથી અઢી વર્ષ પહેલા બંધક બનાવીને રાખવામાં આવેલા બોર્ડર ગાર્ડસના બે સૈનિકોને બચાવવા માટે મંગળવારે રાત્રે એક સફળ ઓપરેશનને અંજામ આપવામાં આવ્યો હતો. આ ઓપરેશનમાં બંને સૈનિકોને પાકિસ્તાનમાં ઘૂસીને સુરક્ષિત રીતે મુક્ત કરવામાં આવ્યા છે. ફોર્સ મુજબ બંને સૈનિકોને ઇરાન મોકલવામાં આવ્યા છે. ઇરાનના રેવોલ્યૂશનરી ગાર્ડે આ સફળ ઓપરેશન પાર પાડ્યું છે.
મળતી માહિતી અનુસાર, પાકિસ્તાનના કટ્ટરપંથી વહાબી આતંકવાદી સંગઠન જૈશ-ઉલ-અદલે 16 ઑક્ટોબર, 2018ના રોજ બંને દેશોની સરહદ પર બલૂચિસ્તાન પ્રાંતના મર્કવા શહેરથી IRGCના 12 ગાર્સ્મનું અપહરણ કરી લીધું હતું. આ તમામ ગાર્ડ્સને અપહરણ કરી તેમને બલૂચિસ્તાન પ્રાંતમાં રાખવામાં આવ્યા હતા.
ત્યારબાદ બંને દેશોના સૈન્ય અધિકારીઓએ એક જોઇન્ટ કમિટી બનાવી અને 12 સૈનિકોમાંથી 5 સૈનિકોને મુક્ત કરાવી દીધા. નવેમ્બર 2018માં 5 સૈનિકોને મુક્ત કરાવ્યા બાદ 21 માર્ચ, 2019ના રોજ પાકિસ્તાની સેનાએ વધુ 4 સૈનિકોને મુક્ત કર્યા હતા.
નોંધનીય છે કે, જૈશ ઉલ-અદલ કે જૈશ-અલ-અદલ એક સલાહી જેહાદી આતંકી સંગઠન છે જે ખાસ કરીને દક્ષિણ-પૂર્વ ઈરાનમાં સક્રિય છે.
(સંકેત)