Site icon Revoi.in

વર્ષ 2021માં ISના આતંકવાદીઓ વિશ્વભરમાં અનેક હુમલા કરી શકે: UN

Social Share

સંયુક્ત રાષ્ટ્રસંઘ: સમગ્ર વિશ્વમાં તબાહી મચાવવા અને દહેશત ફેલાવવા માટે આતંકવાદીઓ દર વર્ષે આતંકી હુમલા કરતા હોય છે. વર્ષ 2021માં ISના આતંકવાદીઓ વિશ્વભરમાં અસંખ્ય હુમલા કરે તેવો ચોંકાવનારો ખુલાસો સંયુક્ત રાષ્ટ્રસંઘે કર્યો છે. સંયુક્ત રાષ્ટ્રસંઘના કાઉન્ટર ટેરરિસ્ટ વિભાગના વડા વ્લાદિમીર વોરોન્કોવે એક અહેવાલ રજૂ કર્યો હતો. તાજેતરમાં જ IS એ ઇરાકમાં 10 હજાર આતંકવાદીઓને તાલીમ આપી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર, સંયુક્ત રાષ્ટ્રસંઘના આતંકવાદ વિરોધી વિભાગે વિશ્વને ચેતવણી આપતા કહ્યું હતું કે ઇસ્લામિક સ્ટેટના 10 હજાર આતંકવાદીઓ વિશ્વભરમાં હુમલો કરે તેવી ભીતિ છે. આતંકવાદી સંગઠન આઇએસે ઇરાક સ્થિત કેમ્પમાં 10 હજાર કરતાં વધુ આતંકવાદીઓને તાલીમ આપી છે. આ આતંકીઓ વર્ષ દરમિયાન હુમલો કરવાનું કાવતરું ઘડી રહ્યા છે.

આ આતંકીઓ વિશે વાત કરીએ તો અત્યારે તેઓ દુનિયાભરના સરહદી વિસ્તારોના ગામડામાં રહે છે અથવા તો અંતરિયાળ રણમાં રહે છે અને તક જોઇને સરહદ પાર જઇને હુમલા કરી શકે છે. શરણાર્થી મહિલાઓ અને બાળકો માટે આ આતંકવાદીઓ સૌથી વધુ ખતરો બની શકે છે.

આ મહિલાઓનો બળજબરીપૂર્વક કે તેમના બાળકોના અપહરણ કરીને બ્લેક મેઇલિંગથી આતંકવાદી હુમલામાં ઉપયોગ થઇ શકે એવી શક્યતા યુએને વ્યક્ત કરી હતી.

સંયુક્ત રાષ્ટ્રસંઘે દુનિયાભરના દેશોને એક થઈને આતંકવાદીઓ સામે સંયુક્ત ઓપરેશન હાથ ધરવાનું સૂચન કર્યું હતું. ખાસ તો યુએનના જે શક્તિશાળી સભ્યદેશો છે તેમણે સંયુક્ત લશ્કરી ઓપરેશન હાથ ધરીને આતંકવાદીઓની કમર તોડી નાખવી જોઈએ એવી સલાહ યુએને આપી હતી.

(સંકેત)